નવસારી રિંગરોડ પર યુવાનની હત્યા:જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંક્યા, હુમલાખોરો કારમાં ફરાર, પોલીસ તપાસ શરૂ

Gujarat5/15/2026, 3:51:45 AM
નવસારી રિંગરોડ પર યુવાનની હત્યા:જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંક્યા, હુમલાખોરો કારમાં ફરાર, પોલીસ તપાસ શરૂ
નવસારી શહેરના રિંગરોડ વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે. વિરાવળ જકાતનાકા પાસે જૂની અદાવતને કારણે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જેના પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નવસારીના રિંગરોડ વિસ્તારમાં ગત મોડી રાત્રે યાસીન મેમણ નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક કારમાં સવાર થઈને આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. જૂની અદાવતને મનમાં રાખીને હુમલાખોરોએ યાસીન પર ચપ્પુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘવાયેલા યાસીનને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે, શરીરના મહત્વના અંગો પર ચપ્પુના ઊંડા ઘા હોવાને કારણે વધુ પડતું લોહી વહી ગયું હતું અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું મેળવવા સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશાઓમાં તપાસ તેજ કરી છે. આ ઉપરાંત, રિંગરોડ પર સ્થિત કાશીવાડી વિસ્તારમાં પણ અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. અહીં બંગ્લોઝ સામે જાહેર રોડ પર જૂની અદાવત અથવા નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ સુજાન શેખે ખતીજાબીબી સહિત અન્ય 7 થી 8 અજાણ્યા વ્યક્તિઓ સામે નોંધાવી છે. આક્ષેપ છે કે આરોપીઓએ એકસંપ થઈ તેની સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ફટકા માર્યા હતા. સામા પક્ષે, ખતીજાબીબી પઠાણે પણ 8 થી 9 લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે તેમના પર લાકડાના દંડા અને બેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણ મામલે પોલીસે હાલ બે શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. નવસારીના વિરાવળ જકાતનાકા અને રિંગરોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
Read Original Article →