વાંસદા ખેતરમાં ડ્રોન સર્વેલન્સ:ગાંજાના 94 છોડ સાથે યુવક ઝડપાયો, SOGની મોટી કાર્યવાહી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી વિસ્તારોમાં નવસારી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માદક દ્રવ્યોના વેપાર પર પ્રહાર કર્યો છે. ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઘોડમાળ ગામે ખેતરના શેઢે ઉગાડવામાં આવેલા ગાંજાના 94 છોડ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં આર્મ્સ એક્ટ અને NDPS એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વાંસદાના અંતરિયાળ ગામોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા હતા. SOG પી.આઈ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. વિનોદભાઈ લાલજીભાઈને સચોટ બાતમી મળી હતી. આ બાતમીની ખરાઈ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતા ખેતરમાં શંકાસ્પદ વાવેતર જણાઈ આવ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી મનીષ શંકરભાઇ ભગરીયા (ઉ.વ. 26, રહે. ઓઝરપાડા ફળીયા, ઘોડમાળ) ને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ પોતાના પિતાના ખેતરના શેઢે માટીની પાળ બનાવી કોઈને ખબર ન પડે તે રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે કુલ ₹1,81,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3.525 કિલોગ્રામ વજનના 94 ગાંજાના છોડ (કિંમત ₹1,76,250) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધારકાર્ડ, લાઈટબિલ, ખેતીના દસ્તાવેજો (7/12 ના ઉતારા) અને પ્લાસ્ટિકની ડોલ પણ જપ્ત કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય એક આરોપી જયકુમાર રાજુભાઇ પંડિત (રહે. જયકિશન ચોક, વાંસદા) નું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વાંસદા પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં SOG પી.આઈ. આર.એસ. પટેલ, વાંસદા PSI એસ.વી. ચોસલા, એ.એસ.આઈ. નઈમખાન, દિનેશભાઈ, ફેસલભાઈ તથા અન્ય કોન્સ્ટેબલો અને સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.
Read Original Article →