નવસારીમાં પ્રેમી-પ્રેમિકાના ઝઘડામાં પડોશીઓનો હુમલો:યુવકને લાકડાના ફટકાથી માથામાં ઇજા, બે સામે ફરિયાદ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેસાડ ગામે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સામાન્ય ઝઘડામાં પડોશીઓએ દખલગીરી કરી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને લાકડાના ફટકાથી માથામાં ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકે ગણદેવી પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દેસાડ ગામના હળપતીવાસમાં રહેતા 42 વર્ષીય દિલીપભાઈ મંગુભાઈ હળપતી છેલ્લા ત્રણ વર્ષથી પાટીનાર ફળિયામાં રહેતી રેખાબેન ઈશ્વરભાઈ હળપતી સાથે રહે છે. ગત 14 મેના રોજ રાત્રે આશરે સવા આઠ વાગ્યે દિલીપભાઈએ રેખાબેન પાસે 50 રૂપિયા માંગ્યા હતા. રેખાબેને પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને દિલીપભાઈએ રેખાબેનને ધક્કો માર્યો હતો. આ ઝઘડો જોઈને ફળિયામાં જ રહેતા શૈલેષભાઈ ભીખુભાઈ હળપતી અને તેમના પુત્ર સંતોષભાઈ શૈલેષભાઈ હળપતી ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ દિલીપભાઈને 'તું રેખાબેનને કેમ મારે છે?' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. દિલીપભાઈએ 'અમારા બંને વચ્ચે તમારે શું લેવા-દેવા છે' તેમ કહેતા પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ શૈલેષ અને સંતોષે દિલીપભાઈને ઢીંકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સંતોષ હળપતીએ ત્યાં પડેલું લાકડું ઉપાડી દિલીપભાઈના માથાના આગળના ભાગે ફટકારી દીધું હતું, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. પ્રેમિકા રેખાબેને વચ્ચે પડીને દિલીપભાઈને વધુ માર ખાવામાંથી છોડાવ્યા હતા. હુમલા બાદ પિતા-પુત્રએ દિલીપભાઈને "બીજી વાર બોલીશ તો હાથ-પગ ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત દિલીપભાઈને તાત્કાલિક ગણદેવી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે ગણદેવી પોલીસ મથકે શૈલેષભાઈ અને સંતોષભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →