નવસારીના કબીલપોર GIDCમાં વહેલી સવારે આગ:લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

Gujarat4/8/2026, 6:40:48 AM
નવસારીના કબીલપોર GIDCમાં વહેલી સવારે આગ:લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન
નવસારી શહેરના કબીલપોર GIDC વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નવસારી ફાયર બ્રિગેડની ટીમે આશરે અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 'અક્ષર એન્ટરપ્રાઇઝ' કંપની સોલર ઇન્વર્ટર માટે લાકડાના પેકિંગ બોક્સ બનાવવાનું કામ કરે છે. આજે મળસ્કે અંદાજે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. કંપનીમાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના 20 સભ્યોની ટીમે 3 ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે અઢી કલાક સુધી સતત પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, કંપનીમાં રહેલો લાકડાનો જથ્થો અને તૈયાર બોક્સ બળીને ખાખ થઈ જતાં સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
Read Original Article →