ભાજપના 'ચાણક્ય' ચૂંટણી મેદાને:નવસારી વોર્ડ-2માંથી અશોક ધોરાજીયાને ટિકિટ, ચાર દાયકાથી વધુ સમયથી સંગઠનમાં સક્રિય છતાં પ્રથમવાર ચૂંટણી લડશે
નવસારી ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વોર્ડ નંબર-2 માંથી અશોક ધોરાજીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી પક્ષના સંગઠનમાં સક્રિય છે અને દક્ષિણ ગુજરાત ભાજપના 'ચાણક્ય' તરીકે ઓળખાય છે. ચાર દાયકાથી વધુ સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય હોવા છતાં, અશોક ધોરાજીયા પોતાના જીવનમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અનેક ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર સમાજમાં અશોક ધોરાજીયાનું મોટું વર્ચસ્વ છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમની મજબૂત પકડને કારણે પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેમની ઉમેદવારીથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા છે કે, જો ભાજપ નવસારીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે, તો મેયર પદ માટે અશોક ધોરાજીયા પ્રબળ દાવેદાર બની શકે છે. તેમની વહીવટી કુશળતા અને સંગઠન શક્તિને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
Read Original Article →