નવસારી વોર્ડ નંબર 5માં પાણીની વિકટ સમસ્યા:70 પરિવારો વચ્ચે 6 હેન્ડપંપ, ડે.કમિશનરને આવેદનપત્ર અપાયું
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા વહોરાવાડી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીં વસવાટ કરતા શ્રમિક અને આદિવાસી પરિવારો લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને વિપક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનરને લેખિત આવેદનપત્ર આપીને આ બાબતે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. 4 હેન્ડપંપ બંધ હાલતમાં, ચોમાસામાં સ્થિતિ વધુ વણસે છે
વહોરાવાડી વિસ્તારમાં આશરે 70 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો માટે કુલ 10 હેન્ડપંપ મંજૂર કરાયા હતા, જેમાંથી 4 હેન્ડપંપ લાંબા સમયથી બગડેલી હાલતમાં છે. હાલમાં માત્ર 6 હેન્ડપંપ કાર્યરત હોવાથી વહેલી સવારથી જ પાણી ભરવા માટે સ્થાનિકોની લાંબી કતારો લાગે છે. સ્થાનિક રહીશ નિલમબેનના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન અહીં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે હેન્ડપંપ ડૂબી જાય છે, જેના લીધે તેમાંથી નીકળતું પાણી અત્યંત ગંદુ અને વપરાશ માટે અયોગ્ય હોય છે. સ્થાનિકોએ બંધ હેન્ડપંપ રિપેર કરી, ત્યાં મોટર મૂકીને પાઇપલાઇનની કાયમી વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે. 1,283 કરોડનું બજેટ છતાં આદિવાસી વિસ્તાર વંચિત: વિપક્ષ
આ મુદ્દે કોંગ્રેસના આગેવાન પિયુષ ઢીમ્મરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, વહોરાવાડીનો શ્રમિક વર્ગ વહેલી સવારથી જ પાણી મેળવવા સંઘર્ષ કરે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર સોંપવાની ફરજ પડી છે. કોંગ્રેસ આગેવાન પિયુષ ઢીમ્મરે જણ"નવસારી મહાનગરપાલિકા ₹1283 કરોડનું મસમોટું બજેટ ધરાવતી હોવા છતાં આ ગરીબ અને આદિવાસી વિસ્તાર સાથે પક્ષપાત કેમ કરવામાં આવી રહ્યો છે? તંત્રના અધિકારીઓએ 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. જો આ સમયગાળામાં બંધ હેન્ડપંપ ચાલુ કરીને 'નલ સે જલ' યોજના હેઠળ ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં શહેરના અન્ય પ્રભાવિત વિસ્તારોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે."
Read Original Article →