નવસારી મહાનગરપાલિકા વોર્ડ-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ મતદારોવાળા ભાજપના ગઢમાં જળબંબાકાર અને સ્લમ રિડેવલપમેન્ટનો ગજગ્રાહ, શું મુસ્લિમ મતો ફરી ખીલવશે 'કમળ'?

Gujarat4/10/2026, 10:08:47 AM
નવસારી મહાનગરપાલિકા વોર્ડ-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ મતદારોવાળા ભાજપના ગઢમાં જળબંબાકાર અને સ્લમ રિડેવલપમેન્ટનો ગજગ્રાહ, શું મુસ્લિમ મતો ફરી ખીલવશે 'કમળ'?
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. શહેરના તમામ વોર્ડમાં સમીકરણો બદલાઈ રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 4 અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મુસ્લિમ મતદારોના પ્રભુત્વ છતાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં આ વખતે જળબંબાકાર, ટ્રાફિક અને સ્લમ રિડેવલપમેન્ટ જેવા સ્થાનિક પ્રશ્નો સત્તાધારી પક્ષ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. મુસ્લિમ અને પારસી મતદારો નિર્ણાયક વોર્ડ નંબર 4 ની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં કુલ 12,859 મતદારો નોંધાયેલા છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 6,486 અને પુરુષ મતદારોની સંખ્યા 6,373 છે. મુસ્લિમ મતો: અંદાજે 5,200, કુલ મતોના 40% પારસી મતો: અંદાજે 250, જે નિર્ણાયક સાબિત થઈ શકે છે અહીં મેમણ જ્ઞાતિના આશરે 850 મતો પરંપરાગત રીતે ભાજપની જીતમાં મોટી ભૂમિકા ભજવતા આવ્યા છે. વિકાસના દાવા વિરુદ્ધ પાયાની સમસ્યાઓ આ વોર્ડમાં વિકાસના કામો થયા હોવાના દાવા સામે સ્થાનિકોની નારાજગી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. 1.જળબંબાકારની કાયમી સમસ્યા: સ્થાનિક અગ્રણી ધર્મેશભાઈ માલીના જણાવ્યા મુજબ, સમગ્ર શહેરનું પાણી વોર્ડ-4 માં એકઠું થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ઘરોમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થાય છે. વિપક્ષનો આરોપ છે કે 30 વર્ષના શાસન છતાં ડ્રેનેજની કોઈ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. 2. સ્લમ રિડેવલપમેન્ટ અને આવાસ: વોર્ડમાં સ્લમ વિસ્તાર વધુ હોવાથી નવી ઇમારતો બનાવવાની યોજના છે. જોકે, સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમને વિસ્થાપિત કરતા પહેલા યોગ્ય વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. 3. પાણી અને ટ્રાફિકની સમસ્યા: સ્થાનિક રહેવાસી સોહેલ ખાન જણાવે છે કે, વિસ્તારમાં ટ્રાફિક અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા વિકરાળ છે. ભૂતકાળમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જવાની ગંભીર ફરિયાદો પણ ઉઠી હતી. ભાજપના કાર્યકર આશિફ બરોડાવાળા આક્ષેપોને નકારતા જણાવે છે કે, આ વોર્ડમાં રેકોર્ડબ્રેક ₹1.12 કરોડના ખર્ચે રોડ અને ડ્રેનેજ લાઈનના કામો થયા છે. પાણી ભરાવાની સમસ્યા માટે ડેમ પ્રોજેક્ટ કાર્યરત છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. બીજી તરફ, રહીશો ઈચ્છી રહ્યા છે કે આ વખતે પક્ષ ગમે તે હોય, પણ ઉમેદવાર એવો હોય જે જમીની સ્તર પર જોડાઈને કામ કરે. ગ્રીન એવન્યુ, ઝવેરી સડક, ખાટકીવાડ અને શંખેશ્વર પાર્ક જેવા વિસ્તારોમાં લોકો પરિવર્તન કે સાતત્ય વચ્ચે મુંઝવણમાં છે. વોર્ડ નંબર 4 માં મુસ્લિમ મતદારો ભાજપ માટે હંમેશા 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયા છે. પરંતુ, શું ₹1.12 કરોડના વિકાસના દાવા સામે ટ્રાફિક અને જળબંબાકારની પીડા ભારે પડશે? શું લઘુમતી સમુદાય ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકશે કે પછી કોઈ 'સનિષ્ઠ' નવા ચહેરાને તક આપશે? તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.
Read Original Article →