મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:નવસારીના વોર્ડ 13ની ટિકિટ ફાળવણીમાં ‘પરિવારવાદ’નો વિરોધ, સક્ષમ અને નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માગ

Gujarat4/6/2026, 12:32:52 PM
મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:નવસારીના વોર્ડ 13ની ટિકિટ ફાળવણીમાં ‘પરિવારવાદ’નો વિરોધ, સક્ષમ અને નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માગ
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ નગરસેવક અને પૂર્વ ચીફ ઓફિસરના પરિવારજનોને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વિરોધના ભાગરૂપે, વોર્ડ નંબર 13ના 10થી વધુ સક્રિય કાર્યકરોએ ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે પહોંચી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ચહેરાઓને જનતા ઓળખતી નથી, તેમને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો વિવાદિત કે અજાણ્યા નામો જાહેર કરાશે, તો પક્ષે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. કાર્યકરોનો મુખ્ય આક્રોશ એ વાત પર કેન્દ્રિત છે કે, જે પરિવારો 30 વર્ષથી પંચાયત અને નગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યા છે, તેમને જ ફરીથી ટિકિટ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે નવા અને સક્ષમ યુવાનોને તક આપવાને બદલે પરિવારવાદને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્તરે જનતામાં જેની કોઈ ઓળખ નથી તેવા ઉમેદવારોને લાદવામાં આવી રહ્યા છે. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના પક્ષના ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. અસંતુષ્ટ કાર્યકરોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, "જનતા મોદી અને યોગીના નામે વોટ આપે છે તે સાચું છે, પરંતુ જો ઉમેદવાર સક્ષમ નહીં હોય તો મતદારોમાં નકારાત્મક સંદેશ જશે. અમને ગામના વિકાસ માટે સ્થાનિક અને નિષ્ઠાવાન ચહેરા જોઈએ છે." નવસારીમાં ભાજપના આ આંતરિક વિખવાદને કારણે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ જટિલ બની છે. ધારાસભ્ય રાકેશ દેસાઈએ કાર્યકરોની રજૂઆત સાંભળીને યોગ્ય ન્યાયની ખાતરી આપી છે. જોકે, હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કાર્યકરોની લાગણીઓને માન્ય રાખે છે કે પછી જૂના નેતાઓના પરિવારજનોને જ ટિકિટ આપે છે. ચૂંટણીના માહોલમાં કાર્યકરોની આ નારાજગી અન્ય વોર્ડમાં પણ પ્રસરી શકે તેવી શક્યતાને જોતા ભાજપ સંગઠન સક્રિય બન્યું છે.
Read Original Article →