નવસારી મનપાનો વોર્ડ 12નો ગઢ સાચવવો ભાજપ માટે પડકાર:એપ્રિલની કાળઝાળ ગરમીમાં ચૂંટણીનો પારો આસમાને, ‘VIP’ વોર્ડનો વિકાસ, સુવિધા અને દુવિધા ઉમેદવારનું ભાવી નક્કી કરશે
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. એપ્રિલ મહિનાના કાળઝાળ તાપની સાથે જ ચૂંટણીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. નવસારીના વોર્ડ નંબર 12માં ભાજપના વર્ષો જૂના ગઢને સાચવવો એ પક્ષ માટે મોટો પડકાર બની રહ્યો છે. આ એક હાઈપ્રોફાઈલ વોર્ડ ગણાય છે, જ્યાં શિક્ષિત મતદારોના મિજાજ પર સૌની નજર ટકેલી છે. ત્યારે ‘વીઆઈપી’ વોર્ડ ગણાતાં વોર્ડ 12ના વિકાસ, સમસ્યા અને સુવિધા સહિતની સ્થિતિનો મિજાજ જાણવા દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. રાજકીય ગઢ અને નેતૃત્વનું કેન્દ્ર
વોર્ડ નંબર 12 ઐતિહાસિક રીતે નવસારીના રાજકારણનું એપીસેન્ટર રહ્યું છે. ભૂતકાળમાં નગરપાલિકાના શાસન દરમિયાન આ એક જ વોર્ડમાંથી 3 પ્રમુખો મળ્યા છે. નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ આ જ વોર્ડના મતદાર હોવાથી તેનું મહત્વ વધી જાય છે.
મતદારોનું ગણિત અને જ્ઞાતિ સમીકરણ
વોર્ડમાં અપર મિડલ ક્લાસ અને સુશિક્ષિત મતદારોનું વર્ચસ્વ છે. છાપરા અને દાંતેજ ગામના જોડાણ બાદ વોર્ડનું ભૌગોલિક કદ અને મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અહીં સિંધી, ભરવાડ, કોળી, પાટીદાર અને આદિવાસી મતદારો છે. વિકાસ અને વેપારી વર્ગ
શહેરના મધ્યમાં સ્થિત આ વિસ્તારમાં હાલ છાપરા અને ઈટાળવા રોડને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. આ વોર્ડમાં મોટા પાયે સિંધી વેપારીઓ વસે છે, જેઓ APMC, બાંધકામ અને શાકભાજીના જથ્થાબંધ વેપાર સાથે જોડાયેલા છે. 'આંધળો વિકાસ' અને સંકલનનો અભાવ
સ્થાનિક મતદાર વિનોદ રાઠોડના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા બન્યાને દોઢ વર્ષ થયું હોવા છતાં આયોજનબદ્ધ કામગીરીનો અભાવ છે. એકવાર રસ્તો બનાવ્યા બાદ ફરી પાણી કે ગટરની લાઈન માટે તેને ખોદવામાં આવે છે. વીજળીના થાંભલા ખસેડ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. વિભાગો વચ્ચે 'કો-ઓર્ડિનેશન' ન હોવાથી જનતા હેરાન થઈ રહી છે. વરસાદી પાણીના નિકાલની જૂની સમસ્યા
નૂતન સોસાયટી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. સ્થાનિક રહીશ હેમલતાબેન ચુનાવાલા જણાવે છે કે ચોમાસામાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી જાય છે. તંત્ર દ્વારા માત્ર રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ડિજિટલ સિસ્ટમ સામે સવાલો
સ્થાનિક યુવાન ગૌરવ રાઠોડે નવસારી મહાનગરપાલિકા (NMC)ની એપ્લિકેશન પર આકરા પ્રહાર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગટરના ખુલ્લા ઢાંકણા જેવી ફરિયાદો કરવા છતાં સ્થળ પર કામ કર્યા વગર જ એપ્લિકેશનમાં ફરિયાદ 'સોલ્વ' બતાવી દેવામાં આવે છે. રસ્તા પર પાઈપોના ઢગલા કરી દેવાતા અકસ્માતનો ભય પણ રહે છે. રાજકીય પક્ષોનો પક્ષ
ભાજપ તરફથી ટિકિટના દાવેદાર પ્રેમચંદ લાલવાણી વિકાસના કામોનો બચાવ કરતા જણાવે છે કે, છાપરા રોડથી ઈટાળવા સુધીના ફોર-લેન રસ્તા, ગામડાઓમાં આંતરિક રસ્તા અને તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મતદારો વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છે
વોર્ડ નંબર 12 ના મતદારો હવે માત્ર વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છે. શિક્ષિત વર્ગ હોવાથી અહીં ટ્રાફિક વ્યવસ્થા, ડ્રેનેજ અને આયોજનબદ્ધ વિકાસ મુખ્ય મુદ્દા રહેશે. ભાજપ માટે પોતાના આ કિલ્લામાં ગાબડું પડતું રોકવું એ આગામી ચૂંટણીમાં સૌથી મોટી કસોટી સાબિત થશે.
Read Original Article →