નવસારીના વહોરાવાડીમાં પાણીની ગંભીર કટોકટી:70 પરિવારો પરેશાન, ચોમાસા પહેલા પાઇપલાઇન નાખવા મનપા કમિશનરને ઉગ્ર રજૂઆત

Gujarat5/21/2026, 9:39:29 AM
નવસારીના વહોરાવાડીમાં પાણીની ગંભીર કટોકટી:70 પરિવારો પરેશાન, ચોમાસા પહેલા પાઇપલાઇન નાખવા મનપા કમિશનરને ઉગ્ર રજૂઆત
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નવસારીના વહોરાવાડી વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીંના આશરે 70 જેટલા પરિવારો પીવાના પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો આ પરિસ્થિતિનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો આગામી દિવસો કાપવા મુશ્કેલ બનશે તેવી ચિંતા સ્થાનિકો સતાવી રહી છે. આ જળ સંકટને દૂર કરવા માટે રહીશોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. એક જ હેન્ડપંપના ભરોસે આખો વિસ્તાર, મહિલાઓની મુશ્કેલી વધી લાંબા સમયથી વહોરાવાડી વિસ્તારમાં હેન્ડપંપ જ પાણીનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. પરંતુ હાલમાં પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. વિસ્તારમાં પીવાના પાણી માટે માત્ર બે હેન્ડપંપ છે, જેમાંથી એક હેન્ડપંપ છેલ્લા એક વર્ષથી તદ્દન બંધ હાલતમાં છે. સ્થાનિક રહીશ શાંતાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "અમને પાણીની બહુ તકલીફ છે. એક જ હેન્ડપંપ ચાલુ હોવાથી 11 ઘરના લોકોએ એક જ જગ્યાએથી પાણી ભરવું પડે છે. કાળઝાળ ઉનાળામાં છેક દૂર સુધી પાણી લેવા જવું પડે છે, જેના કારણે કામ પર જવામાં મોડું થાય છે અને ઘરકામનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે." સ્થાનિકોએ નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલનાત્મક વલણ અપનાવવાની ચીમકી આપી છે. ચોમાસા પહેલા પાણીની લાઇન નાખવા મનપા કમિશનરને આવેદનપત્ર આગામી ચોમાસામાં શુદ્ધ પીવાનું પાણી મેળવવું એક મોટી આફત ન બને તે માટે સામાજિક કાર્યકર પિયુષ ધીમ્મર અને સ્થાનિક આદિવાસી સમાજના અગ્રણીઓની આગેવાનીમાં રહીશોએ નવસારી મનપા કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ છે કે વહોરાવાડી વિસ્તારમાં કાયમી ધોરણે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવે. તેમજ હાલ પૂરતા બંધ પડેલા હેન્ડપંપોને તાકીદે રિપેર કરીને ચાલુ કરવામાં આવે જેથી તાત્કાલિક રાહત મળે. ડેપ્યુટી કમિશનરે આપી ખાતરી આ ગંભીર સમસ્યા અંગે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર જગુ વસાવાએ જણાવ્યું હતું કે તંત્ર આ બાબતે ગંભીર છે. વ્હોરાવાડી વિસ્તારની વોટર સપ્લાય સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ આવવાને કારણે આશરે 70 ઘરોને પૂરતું પાણી નથી મળી રહ્યું તેની રજૂઆત મળી છે. તેમણે ઉમેર્યું કે, આવનારા સમયની અંદર વહોરાવાડીના તમામ 70 ઘરોમાં તાત્કાલિક પાણીના કનેક્શન મળી જાય તે માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જરૂર જણાશે તો નવો બોર પણ બનાવવામાં આવશે. સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થાય તે માટે મનપા દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મનપા તંત્ર આપેલા આશ્વાસન મુજબ ચોમાસાની શરૂઆત પહેલા વહોરાવાડીના રહીશોને આ જળ સંકટમાંથી મુક્તિ અપાવે છે કે કેમ.
Read Original Article →