નવી વરસાદી કાંસમાં ટ્રક ખૂંપી:નવસારીના વીરાવળ વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા પર સવાલ, તંત્રની પોલ ખૂલી
નવસારીના વીરાવળ વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા તાજેતરમાં બનેલી વરસાદી કાંસમાં એક ટ્રક ખૂંપી જતાં મોટું ગાબડું પડ્યું હતું. આ ઘટનાએ NMCની પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસ કાર્યોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આજે એક ભારે માલવાહક ટ્રક નવી બનેલી કાંસ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી ગયો અને ટ્રક અંદર ખૂંપી ગઈ. આના કારણે કાંસમાં મોટું ગાબડું પડ્યું હતું. આ ઘટનાને પગલે વ્યસ્ત વીરાવળ વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોના મતે, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ વરસાદી કાંસના નિર્માણમાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. ચોમાસાનો પહેલો વરસાદ પડે તે પહેલાં જ નવી કાંસ તૂટી પડતાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે NMC સામે લોકોનો ઉગ્ર રોષ જોવા મળ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસ કાર્યોની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. જનતા સવાલ કરી રહી છે કે જો સામાન્ય દિવસોમાં ટ્રકના વજનથી કાંસ તૂટી જતી હોય, તો ચોમાસામાં પાણીના ભારે પ્રવાહથી શું સ્થિતિ થશે. આ ઘટનાએ નવસારી મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની વાસ્તવિકતા દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં ભરે છે કે કેમ.
Read Original Article →