વિજલપોર રેલવે બ્રિજ કામ 5 વર્ષથી ધીમું; જનતા પરેશાન:મેયર-કમિશનર એક્શનમાં; કોન્ટ્રાક્ટરે ડિઝાઇન-પેમેન્ટ મુદ્દો ઉઠાવ્યો
નવસારી મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને મેયરે વિજલપોર રેલવે ઓવરબ્રિજના ખોરંભે પડેલા કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકો અને હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર અને મેયરે કોન્ટ્રાક્ટર સાથે સ્થળ પર જ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચોમાસા પહેલાં નીચેનો સર્વિસ રોડ તાત્કાલિક રીકાર્પેટિંગ કરી શરૂ કરવા અને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કડક આદેશો આપવામાં આવ્યા છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર, વહીવટી અધિકારીઓ, સ્થાનિક નગરસેવકો તેમજ વિજલપોર રેલવે ફાટક વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નો અને ફરિયાદોને પ્રત્યક્ષ સાંભળવામાં આવી હતી. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ભરતભાઈ પટેલે તંત્ર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમને સમયસર ડિઝાઇન મળતી નથી. IIT અને અન્ય એજન્સીઓ દ્વારા ડ્રોઇંગ અને બેરીંગના નકશામાં ત્રણથી ચાર વખત ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થયો છે. તેમ છતાં, RCC વર્ક ચાલુ રાખવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનાથી તેમનું ₹7 કરોડનું પેમેન્ટ પેન્ડિંગ છે અને હજી સુધી એક રૂપિયો પણ મળ્યો નથી. આ પેમેન્ટ GUDC દ્વારા ગાંધીનગરથી ગ્રાન્ટ મંજૂર કરાવીને ચૂકવવાનું હોય છે, પરંતુ જાન્યુઆરી પછી ગ્રાન્ટની માંગણી જ કરવામાં આવી નથી. અન્ય વધારાના કામના આશરે ₹17 કરોડ પણ બાકી છે. નવસારીના મેયર અશોક ધોરાજીયાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, બ્રિજનું કામ શરૂ થયા પછી સ્થાનિક લોકોની માંગ હતી કે આખો યુ-ટર્ન લેવો પડતો હતો, તેથી જનહિતમાં રજૂઆત કરીને બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ટેકનિકલ ખામીઓને કારણે કામગીરીમાં થોડો સમય લાગ્યો છે. મેયરે કોન્ટ્રાક્ટરના પેમેન્ટના મુદ્દે જણાવ્યું કે, આ પ્રશ્ન આજે જ તેમની સમક્ષ આવ્યો છે. તેમણે કમિશનરની હાજરીમાં કોન્ટ્રાક્ટરને બાકી પેમેન્ટ માટે કમિશનરને મળવા જણાવ્યું છે અને તેમાં ચોક્કસ મદદ કરવાની ખાતરી આપી છે. પ્રાથમિકતા એ છે કે ચોમાસું નજીક હોવાથી નીચેનો સર્વિસ રોડ આવતીકાલથી જ બંને બાજુ વ્યવસ્થિત રીતે શરૂ થઈ જાય, જેની સૂચના આપી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે પણ તેની ખાતરી આપી છે.
Read Original Article →