નગરપાલિકાના શાસકોની ભૂલ નવસારી મનપાના મેયરે સુધારી!:વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલ પાસે રબરના બમ્પર હટાવાયા, અશોક ધોરાજીયાએ ઊભા રહીને કામગીરી કરાવી
નવસારીના ગણદેવી રોડ પર આવેલી જાણીતી વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલ નજીક મુકવામાં આવેલા રબરના સ્પીડ બ્રેકર (બમ્પર) વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા હતા. આ રબરના બમ્પરના કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મામલે વાહનચાલકો અને સ્થાનિક રહીશો દ્વારા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાને રજૂઆત કરવામાં આવી હતી. લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈને મેયરે તાત્કાલિક એક્શન મોડમાં આવી પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. આ મામલે દિવ્યભાસ્કરે નવસારી મહાનગરપાલિકાના એન્જિનિયર શશીકાંત પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તત્કાલીન નવસારી નગરપાલિકાના સમયે આ રબરના બમ્પર નગરપાલિકા કર્મચારીઓ દ્વારા જ લગાવવામાં આવ્યા હતા અને હવે જ્યારે ફરિયાદો આવી રહી છે તે ત્યારે તેને કાઢવામાં આવ્યા છે, આ બમ્પરનું બજેટ કોસ્ટ યાદ નથી, મારે જોવું પડશે. મેયરે સ્થળ પર પહોંચી બમ્પ હટાવ્યા
રહેવાસીઓની ફરિયાદ મળતા જ નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા પાલિકાના એન્જિનિયરોની ટીમ સાથે તાત્કાલિક ગણદેવી રોડ પર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થળ પર જ હાજર રહીને વાહનચાલકોને નડતરરૂપ બનતા રબરના બમ્પરને હટાવવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી. હાલ આ રબર મોલ્ડના બમ્પરની જગ્યાએ ડામરના વ્યવસ્થિત સ્લોપવાળા બમ્પર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મેયરની આ ત્વરિત અને સકારાત્મક કાર્યવાહીથી સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે. રબરના બમ્પ કેમ જોખમી?
આ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપતા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે, નવસારી વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલની સામે રબર મોલ્ડના જે બમ્પ હતા, તેને દૂર કરીને ડામરના નવા બમ્પ બનાવવામાં આવી રહ્યા છે. રબરના બમ્પમાં ઘણીવાર તેના લોખંડના ખીલા બહાર નીકળી જતા હોય છે અથવા બમ્પ પોતાની જગ્યા પરથી ખસી જાય છે, જેના કારણે વાહનચાલકો અજાણતા જ અકસ્માતનો ભોગ બને છે. વળી, મોટી ઉંમરના વૃદ્ધો જ્યારે અહીંથી બાઇક કે સ્કૂટર લઈને પસાર થાય ત્યારે તેમને પીઠમાં ભારે આંચકો (જર્સી) લાગતો હતો. આ અંગે લોકોની વ્યાપક ફરિયાદો મળી હતી કે આ બમ્પ બદલવા જરૂરી છે. સમગ્ર શહેરમાંથી રબરના બમ્પ હટાવાશે: મેયર
મેયરે વધુમાં ઉમેર્યું કે, લોકોની તકલીફ દૂર કરવા માટે આજે મેં જાતે એન્જિનિયરોને બોલાવીને આ બમ્પો હટાવવાની કામગીરી કરાવી છે. આ જગ્યાએ ડામરના સ્લોપવાળા (ઢાળવાળા) સુવ્યવસ્થિત બમ્પ બનાવીને તેના પર વ્હાઇટ (સફેદ) પટ્ટા મારી દેવામાં આવશે, જેથી રાત્રે પણ વાહનચાલકોને તે સ્પષ્ટ દેખાય. અહીં સ્કૂલ આવેલી હોવાથી બાળકોની સુરક્ષા માટે બમ્પ હોવો ખૂબ જરૂરી છે, જેથી વાહનોની ગતિ ધીમી પડે અને અકસ્માત નિવારી શકાય. આ સાથે જ, નવસારી આખા શહેરમાં જ્યાં પણ આવા રબર મોલ્ડના જોખમી બમ્પ હશે, તે તમામ સ્થળો પરથી તેને હટાવીને ડામરના સ્લોપવાળા સુરક્ષિત બમ્પ બનાવવામાં આવશે.
Read Original Article →