કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો:30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ, નવસારીની ખાંડ મિલોને અસર
કેન્દ્ર સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં લેવા માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ પ્રતિબંધ 13 મેથી અમલમાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી અથવા આગામી આદેશો ન થાય ત્યાં સુધી લાગુ રહેશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે રો સુગર, વ્હાઇટ સુગર અને રિફાઇન્ડ સુગર સહિત તમામ પ્રકારની ખાંડની નિકાસ નીતિમાં ફેરફાર કરાયો છે. અગાઉ ખાંડ 'રિસ્ટ્રિક્ટેડ' શ્રેણીમાં હતી, જેને હવે 'પ્રોહિબિટેડ' (નિષેધ) શ્રેણીમાં મૂકવામાં આવી છે. આનો અર્થ એ છે કે સરકારની વિશેષ પરવાનગી વિના ખાંડની નિકાસ કરી શકાશે નહીં. આ પ્રતિબંધની સીધી અસર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે, જે ખાંડ ઉદ્યોગનું એક મહત્વનું કેન્દ્ર છે. નવસારીની ગણદેવી સુગર મિલમાં આ વર્ષે 7 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરીને 8.10 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કરાયું હતું. કુલ ઉત્પાદનમાંથી 56,000 ક્વિન્ટલ ખાંડની નિકાસ કરવાની તૈયારી હતી, પરંતુ નવા નિયમોને કારણે આ પ્રક્રિયા હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. ગણદેવી સુગર મિલ દેશમાં ખેડૂતોને સૌથી વધુ વળતર આપવા માટે જાણીતી છે. હવામાન પરિવર્તનને કારણે ખાંડનું ઉત્પાદન ઓછું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સાધારણ હોવાથી, હવે આ ખાંડ સ્થાનિક બજારમાં વેચવામાં આવશે. જોકે, સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં ખાંડની નિકાસ માટે છૂટછાટ આપી છે. આંતરરાષ્ટ્રીય કરારો હેઠળ, ભારત યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકાને CXL અને TRQ ક્વોટા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ખાંડ મોકલવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત, જે જહાજોમાં લોડિંગ શરૂ થઈ ગયું છે અથવા જેમના શિપિંગ બિલ ફાઈલ થઈ ગયા છે, તેમને પણ નિકાસની મંજૂરી મળશે. ખાદ્ય સુરક્ષાના સંકટનો સામનો કરી રહેલા પડોશી દેશોની સરકારોની વિનંતી પર માનવીય ધોરણે મર્યાદિત નિકાસની મંજૂરી પણ મળી શકે છે. નિષ્ણાતોના મતે, તહેવારોની સિઝન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે. જો સપ્ટેમ્બર 2026 પછી સ્થિતિ સામાન્ય જણાશે અને સરકાર આ મુદત લંબાવશે નહીં, તો નિકાસ નીતિ ફરીથી જૂની સ્થિતિમાં આવી શકે છે. હાલના તબક્કે, ઘરેલું બજારમાં ખાંડના ભાવ પર નિયંત્રણ રાખવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
Read Original Article →