નવસારીમાં રખડતા ઢોર મુક્તિ માટે એક્શન પ્લાન:કમિશનરે ખંભલાવ પાંજરાપોળની મુલાકાત લીધી, ગૌ રક્ષકો સાથે બેઠક યોજી

Gujarat5/22/2026, 11:09:03 AM
નવસારીમાં રખડતા ઢોર મુક્તિ માટે એક્શન પ્લાન:કમિશનરે ખંભલાવ પાંજરાપોળની મુલાકાત લીધી, ગૌ રક્ષકો સાથે બેઠક યોજી
નવસારી શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા અને જાહેર માર્ગો પર ટ્રાફિક તેમજ અકસ્માતનો ભય ઘટાડવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ યોજનાના ભાગરૂપે, વહીવટી તંત્ર અને ગૌ રક્ષકો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર IAS જયેશ ઉપાધ્યાયે આજે વહેલી સવારે ખંભલાવ સ્થિત નવીન ડેવલપ થઈ રહેલી પાંજરાપોળની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત બાદ, કમિશનરે તુરંત જ સીએનસીડી (CNCD) વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટેના આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ ગૌ રક્ષક સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને શહેરના અગ્રણીઓ સાથે પણ સંવાદ યોજાયો હતો. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય અનુસાર, નવસારી મહાનગરપાલિકા દ્વારા ખંભલાવ ખાતે નવનિર્મિત અત્યાધુનિક પાંજરાપોળમાં શહેરના રખડતા ઢોરોને તબક્કાવાર ખસેડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ કામગીરીને વધુ પારદર્શક અને સુવિધાજનક બનાવવાનો હેતુ છે. કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નવી પાંજરાપોળમાં પશુઓ માટે પીવાના પાણી, શેડ, ઘાસચારો અને ચોક્કસ તબીબી સારવાર જેવી આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરાશે. ગૌ રક્ષકો અને અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલા રચનાત્મક સૂચનોને સકારાત્મક પ્રતિભાવ આપી, તમામ વ્યાજબી સૂચનોનો અમલ કરીને પશુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. મહાનગરપાલિકાના CNCD વિભાગે આ જનહિતના અને સંવેદનશીલ કાર્યમાં ગૌ રક્ષક સંગઠનો અને સામાન્ય નાગરિકો તરફથી સંપૂર્ણ સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
Read Original Article →