નવસારી મેયર અશોક ધોરાજીયાના ઘરે સ્માર્ટ મીટર લાગ્યું:ગેરસમજો દૂર કરી દરેકને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી, યુનિટ દીઠ 60 પૈસાની રાહત મળશે
સરકારની RDSS યોજના હેઠળ રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત નવસારી શહેરમાં જનજાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના નવનિર્વાચિત મેયર અશોકભાઈ ધોરાજીયાએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને નગરજનો સમક્ષ એક આદર્શ રજૂ કર્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. આ અંગે પત્રકારો સાથે વાત કરતા મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે, "બાહ્ય તત્વો દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, જે બિલકુલ ખોટું છે. સ્માર્ટ મીટર સિસ્ટમથી વીજ વપરાશમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે. ગ્રાહકો પોતાના કેટલા યુનિટ વપરાયા છે અને પાવરની સ્થિતિ શું છે, તે તમામ વિગતો ઓનલાઈન ચકાસી શકશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "સરકારની યોજના અનુસાર, જે ગ્રાહકો સમયમર્યાદામાં સ્માર્ટ મીટર લગાવશે, તેમને પ્રતિ યુનિટ 60 પૈસાની રાહત પણ આપવામાં આવશે. હું નવસારીના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના સભ્યોને પણ વિનંતી કરું છું કે તેઓ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે અને પોતાના વોર્ડના નાગરિકોને આ યોજનાના ફાયદા સમજાવીને જોડાવવા માટે પ્રેરિત કરે." દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) નવસારી સિટી ડિવિઝનના કાર્યપાલક ઈજનેર યોગેન્દ્ર રામભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, "અમે RDSS યોજના હેઠળ જૂના ડિજિટલ મીટરના સ્થાને વધુ અદ્યતન ટેકનોલોજી ધરાવતા સ્માર્ટ મીટર લગાવી રહ્યા છીએ. આ મીટર ગ્રાહક અને કંપની વચ્ચે સીધો ઓનલાઈન સંવાદ (ટુ-વે કમ્યુનિકેશન) સ્થાપિત કરે છે. લોકોમાં જે વિરોધ છે તે માત્ર સમજણના અભાવે છે." તેમણે આંકડાકીય માહિતી આપતા સ્પષ્ટ કર્યું કે, "અત્યાર સુધીમાં DGVCL વિસ્તારમાં કુલ 12 લાખ જેટલા અને નવસારી શહેરમાં 18,000 થી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે. નવસારીમાં અંદાજે 1416 જેટલી સરકારી કચેરીઓ અને 541 મોટા ઔદ્યોગિક વીજ જોડાણોમાં સ્માર્ટ મીટર કાર્યરત છે. મીટર ફાસ્ટ ફરે છે તેવી અફવાઓ ખોટી છે, હજી સુધી આવી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. જો કોઈ ગ્રાહકને પ્રશ્ન હોય તો અમારી ટીમ પીઆર (PR) ટીમ સાથે સ્થળ પર જઈને ત્વરિત નિકાલ લાવે છે."
Read Original Article →