નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં આધેડનું મોત:બપોરે ઘરમાં સૂતા હતા ને અચાનક સ્લેબ તૂટ્યો, કલાકો બાદ તંત્રને જાણ થતાં મૃતદેહ બહાર કઢાયો

Gujarat6/3/2026, 6:23:10 AM
નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં આધેડનું મોત:બપોરે ઘરમાં સૂતા હતા ને અચાનક સ્લેબ તૂટ્યો, કલાકો બાદ તંત્રને જાણ થતાં મૃતદેહ બહાર કઢાયો
નવસારીના શાંતિદેવી રોડ પાસે આવેલા એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધસી પડતાં એક આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૂતા હતા ને કાળ ભેટી ગયો મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના શાંતિદેવી રોડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટની બાજુમાં, ગોકુલ નિવાસ બ્લોકમાં ઘટી હતી. ગઈકાલે બપોરે ધર્મેશભાઈ નામના આધેડ પોતાના ઘરમાં સૂતા હતા, તે દરમિયાન અચાનક જ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી ધર્મેશભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન ધર્મેશભાઈ કાટમાળ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. મકાન કેટલું જર્જરિત હતું અને આ અકસ્માત પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. નગરસેવક દિવ્યકાંત પનારાએ જણાવ્યું કે, ગોકુલ નિવાસમાં બીજા માળે ધર્મેશભાઈ ભાવસાર રહેતા હતા. ગઈકાલ બપોરે તેમના ભાઈ તેમને લસ્સી પીવડાવીને ગયા હતા, જે બાદ સ્લેબ તૂટતાં તેઓનું મોત થયું છે. આજે સવારે તેઓને જાણ થતાં અમને જાણ કરી હતી. હાલ તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું કે, આજે સવારે કમિશનર સાથે જ્યારે અમે વિઝિટમાં હતા ત્યારે મેં કહ્યું છે કે 100 કરતાં વધારે જર્જરિત જે મિલકતો છે, એમને ભૂતકાળમાં નોટિસો આપી છે પણ નોટિસ આપવાથી સંતોષ માની લેવાની જરૂર નથી. આના પર એક્શન લેવાવા જોઈએ. આજે શાંતાદેવી રોડ પર જે ઘટના બની છે તે ચિંતાજનક વિષય છે. નોટિસની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં જો મિલકત માલિકો એને નહીં હટાવે તો કમિશનર કાયદાની રૂએ જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે જરૂર કરશે.
Read Original Article →