વિજલપોર બ્રિજ પર NHAI એ ફાટક બંધ કર્યું:અપૂરતા બેરિકેડિંગથી રેલવે ફાટક ખુલ્લું રહેતા જોખમી અવરજવર ચાલુ: સંકલનનો અભાવ
નવસારીના વિજલપોર વિસ્તારમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ પર કામગીરીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રેલવે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. NHAI દ્વારા માર્ગ બંધ કરવાના આદેશ છતાં, અપૂરતા બેરિકેટીંગ અને રેલવે ફાટક ખુલ્લું હોવાને કારણે જોખમી અવરજવર ચાલુ છે, જેનાથી મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. NHAI દ્વારા બ્રિજની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવા માટે આગામી બે મહિના સુધી આ માર્ગ પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, આ આદેશ માત્ર કાગળ પર જ સીમિત રહ્યો હોય તેવી સ્થિતિ મેદાન પર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષા માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. ફાટક પર માત્ર કામચલાઉ અને સામાન્ય બેરિકેટીંગ મૂકી સંતોષ માની લેવાયો છે. બીજી તરફ, રેલવે વિભાગ દ્વારા ફાટક ખુલ્લું રાખવામાં આવતા NHAI ના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. યોગ્ય અને મજબૂત બેરિકેટીંગના અભાવે વાહનચાલકોએ કામચલાઉ આડશ જાતે જ હટાવી દીધા છે અને માર્ગ પરથી વાહનોની અવરજવર પૂર્વવત કરી દીધી છે. આશ્ચર્યજનક રીતે, ઓવરબ્રિજ પર હાઈડ્રોલિક મશીનરી અને ભારે ક્રેન વડે જોખમી કામગીરી ચાલી રહી છે, ત્યારે તેની બિલકુલ નીચેથી વાહનચાલકો પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના છે. જો બ્રિજ પરથી કોઈ લોખંડનો ગર્ડર, પથ્થર કે ભારે સાધનસામગ્રી નીચે પસાર થતા વાહનચાલકો પર પડે તો તેની જવાબદારી કોની રહેશે, તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જનતાની માંગ છે કે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે લોખંડી બેરિકેટીંગ કરીને રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવે અથવા સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરવામાં આવે.
Read Original Article →