નવસારીના રાજકારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું:એક સમયે પાલિકામાં 10 થી 12 સભ્યો પારસીઓ હતા; 'માઈક્રો માઈનોરિટી' માટે સ્પેશિયલ સીટની માંગ ઉઠી

Gujarat4/8/2026, 12:15:50 PM
નવસારીના રાજકારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું:એક સમયે પાલિકામાં 10 થી 12 સભ્યો પારસીઓ હતા; 'માઈક્રો માઈનોરિટી' માટે સ્પેશિયલ સીટની માંગ ઉઠી
નવસારી નગરપાલિકામાં એક સમયે પ્રભુત્વ ધરાવતો પારસી સમાજ હવે રાજકીય ફલક પરથી અદ્રશ્ય થઈ રહ્યો છે. શહેરના વિકાસમાં સિંહફાળો આપનાર આ સમાજના પ્રતિનિધિત્વ અંગે ગંભીર ચર્ચાઓ જાગી છે. નવસારી સમસ્ત અંજુમનના કમિટી મેમ્બર કેરમન પટેલે પારસીઓના ઘટતા રાજકીય પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇતિહાસ દર્શાવે છે કે, નવસારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં દિનશાજી ડાબુ પ્રથમ પ્રમુખ બન્યા હતા. આઝાદી બાદ તેમના ભાઈ ફરામરોઝ ડાબુએ પણ પ્રમુખ પદ સંભાળ્યું હતું. એક સમયે 24 સભ્યોની નગરપાલિકામાં 10 થી 12 પારસીઓ ચૂંટાઈ આવતા હતા. નવસારી ઉપરાંત બિલીમોરા અને વલસાડમાં પણ પારસીઓનું નોંધપાત્ર વર્ચસ્વ હતું. રાષ્ટ્રીય લઘુમતી કમિશનના પૂર્વ ઉપાધ્યક્ષ કેરસી દેબૂએ જણાવ્યું કે, પારસીઓની વસ્તી ખૂબ જ અલ્પસંખ્યામાં હોવાથી કોઈપણ રાજકીય પક્ષોને એની બહુ મોટી ગરજ રહેતી નથી. બીજું કારણ એ છે કે, પારસીઓને હાલમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, તેને અનુકૂળ આવતું નથી. એટલે આવા ઘણા કારણસર ધીરે ધીરે પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. નવસારી નગરપાલિકામાં વર્ષો પહેલા મોટાભાગના સભ્ય, ચૂંટાઈ આવેલા સભ્યો પારસી કોમ્યુનિટીમાંથી આવતા હતા. નગરપાલિકાનું પ્રથમ ઇલેક્શન થયું ત્યારે દિનશાજી ડાબુ તેના પ્રથમ પ્રમુખ પણ બનેલા અને આઝાદી પછી જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારે એમના જ ભાઈ ફરામરોઝ ડાબુ એ નવસારીના પ્રમુખ બનેલા. વધુમાં જણાવ્યું કે, પારસી પરિવારના એક જ પરિવારના બેથી ત્રણ સભ્ય અને વધારામાં તેમના ઘરનો નોકર અને કામવાળી પણ ચૂંટાઈને આવતા, આટલું પારસીઓનું વર્ચસ્વ હતું. પરંતુ એ ધીરે ધીરે ઓછું થયું. પારસીઓએ આગળ આવવું જોઈએ અને રાજકારણમાં ભાગ લેવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. નવસારી સમસ્ત અંજુમન અને સમસ્ત પારસી ઇન્ફર્મરીના કમિટી મેમ્બર કેરમન પટેલે જણાવ્યું કે, પારસી લોકોનું રિપ્રેઝન્ટેશન નવસારી મહાનગરપાલિકા કે નગરપાલિકામાં કેમ નથી? આ નવસારીનું જે ડેવલપમેન્ટ થયું છે તે અમારા પારસી લોકોએ કર્યું છે. તે એજ્યુકેશન સંસ્થાઓ હોય, હોસ્પિટલ્સ હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, એ દરેક વિષયમાં અમારી કોમ્યુનિટીના લોકોએ અગ્રણી ભાગ ભજવ્યો છે તેમ છતાં છેલ્લા 25-30 વર્ષથી પોલિટિકલી અમારું રિપ્રેઝન્ટેશન પારસી લોકોનું બિલકુલ નથી. અત્યારે જે પોલિટિક્સ ચાલે છે 'ડુ ઓર ડાય'નું, તેમાં અમારી કોમ્યુનિટી બિલકુલ સંમત નથી. હું કોંગ્રેસ પાર્ટીનો જિલ્લાનો ઉપપ્રમુખ છું, પરંતુ મને ટિકિટની ઓફર પણ નથી થઈ, મને લડવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. અમારું યુથ છે એનો ફોકસ હવે પોતાના ફેમિલી અને પોતાના લોકોના ડેવલપમેન્ટ માટે જ છે. અમારો પોતાનો પણ મત એ જ છે કે આપણી કોમ્યુનિટી માટે કામ કરીએ, કારણ કે અમને ક્યાય પણ રિપ્રેઝન્ટેશન મળતું જ નથી. અમને રિપ્રેઝન્ટેશન એટલા માટે નથી મળતું કે અમે માઇક્રો માઇનોરિટીઝ છીએ. હું તો ગવર્મેન્ટને એવું કહેવા માંગુ છું કે, અમારા માટે વિધાનસભામાં કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એવી સ્પેશિયલ સીટ હોવી જોઈએ કે જેથી અમને કોમ્યુનિટીનું રિપ્રેઝન્ટેશન મળી શકે. અમારા અત્યારના લીડરો કેરસીભાઈ, દારાભાઈ, યઝદીભાઈ, બોમીભાઈ છે સહિતનાઓએ પોલિટિક્સમાં આવવું જોઈએ. તો નવસારી શહેરની ચોક્કસ પ્રગતિ થાય, ડેવલપમેન્ટ થઈ શકે, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ બની શકે. જમશેદજી ટાટા જેવાનો જન્મ પણ આપણા નવસારીમાં થયો છે. એટલે અમારા રિપ્રેઝન્ટેશનનો તો સવાલ જ નથી આવતો પણ ઓપોર્ચ્યુનિટી અમને મળવી જોઈએ. કારણ કે અમે કોઈ પણ જગ્યાએ ઇલેક્શન કોન્ટેસ્ટ કરી શકીએ એવી અમારી પોપ્યુલેશન વાઇઝ પરિસ્થિતિ નથી.
Read Original Article →