વિજલપોરમાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ:7 જેટલા શખસોએ ઘરમાં ઘૂસી એક પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો, તોડફોડ કરી દાગીના લૂંટ્યા હોવાનો આક્ષેપ
નવસારીના વિજલપોર વિસ્તારમાં પાર્કિંગના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિજલપોરના કૃષ્ણાનગરમાં પાડોશીઓ વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ 6 થી 7 અજાણ્યા શખ્સોના ટોળાએ એક પરિવાર પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરમાં તોડફોડ પણ મચાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, કૃષ્ણાનગરમાં એક પરિવારના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પાડોશીની ગાડી પાર્ક કરેલી હોવાથી, રિનોવેશનના કામ માટે ગાડી થોડી સાઈડમાં લેવા જણાવાયું હતું. આ વાતથી પાડોશી ઉશ્કેરાઈ ગયા અને મામલો વણસ્યો હતો. વિવાદ વધતા અંદાજે 10 થી 15 અજાણ્યા શખ્સો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે પીડિત પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા. હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરી પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘરમાં હાજર વૃદ્ધ માતા-પિતા અને એક નાની બાળકીને પણ માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો છે કે, હુમલા દરમિયાન ઘરની મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર જેવા દાગીનાની પણ લૂંટ થઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાખોરોએ પીડિત પરિવારના યુવાનોને માર માર્યા બાદ ધમકી આપી હતી કે, "તમે કયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈ રહ્યા છો?" આ ઘટનામાં હુમલાખોરોમાં કાયદાનો ડર ન હોવાનું સ્પષ્ટ દેખાય છે. વિજલપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ હુમલા બાદ ભયભીત અને ઇજાગ્રસ્ત બનેલો પીડિત પરિવાર ન્યાયની આશા સાથે વિજલપોર પોલીસ મથકે પહોંચ્યો હતો અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને પરિવારની અરજીના આધારે વિજલપોર પોલીસે હાલમાં આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, સામાન્ય પાર્કિંગના મુદ્દે આ પ્રકારે ઘરમાં ઘૂસીને હુમલો કરવો એ શાંત ગણાતા નવસારી માટે ચિંતાજનક બાબત છે. વિજલપુરના પી.આઈ સચિન પવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ છે. આગામી સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
Read Original Article →