નવસારીમાં NPL-4 શરૂ:લુન્સિકુઇ રિનોવેશનને કારણે ભૂતસાડ મેદાન પર ટૂર્નામેન્ટનું આયોજન, વિજેતાને રૂ. 5 લાખનું ઈનામ
નવસારી પ્રીમિયર લીગ (NPL-4)ની ચોથી સીઝનનો પ્રારંભ થયો છે. દર વર્ષે લુન્સિકુઇ મેદાન ખાતે યોજાતી આ ટૂર્નામેન્ટ આ વર્ષે એરુ રોડ પર આવેલા ભૂતસાડ ગાંધી કોલેજના મેદાન પર રમાઈ રહી છે. નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી આયોજકોએ સ્થળમાં ફેરફાર કર્યો છે. ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને, NPLના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. હાલ સરેરાશ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે, જેથી ખેલાડીઓ અને પ્રેક્ષકોને ગરમીથી રાહત મળે. મેદાન પર અદ્યતન ફ્લડ લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી આસપાસના 15થી વધુ ગામના રમતપ્રેમીઓ રાત્રિ મેચનો આનંદ માણી શકે છે. નવસારી પ્રીમિયર લીગના પ્રમુખ રાજેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, NPL સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે કહ્યું કે, "નવસારી જિલ્લામાં ઘણી ક્રિકેટ પ્રતિભાઓ છે, પરંતુ સ્થાનિક સ્તરે રમવાને કારણે તેમને યોગ્ય ઓળખ મળતી નથી. NPL ખેલાડીઓને તેમની ક્ષમતા દર્શાવવા અને ભવિષ્યમાં આગળ વધવાની તકો પૂરી પાડશે." ટૂર્નામેન્ટના ઇતિહાસ પર નજર કરીએ તો, પ્રથમ સીઝન 2013માં, બીજી 2015માં, ત્રીજી 2025માં અને ચોથી સીઝન 2026માં યોજાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે, જેમાં 15 લીગ મેચ, 2 સેમી-ફાઇનલ અને 1 ફાઇનલ મેચનો સમાવેશ થાય છે. કુલ 18 મેચોમાંથી 15 મેચો રાત્રિના સમયે અને 3 મેચો દિવસ દરમિયાન રમાડવામાં આવશે. ચેમ્પિયન ટીમને ₹5 લાખ અને રનર્સ-અપ ટીમને ₹3 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે.
Read Original Article →