NEET UG પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર:નિષ્ણાતોએ કહ્યું, 'ગભરાયા વગર તૈયારી પર ધ્યાન આપો'
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષા અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવી છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. જોકે, શિક્ષણ જગતના નિષ્ણાતો અને શિક્ષકો વિદ્યાર્થીઓને સકારાત્મક રહી ફરીથી પરીક્ષાની તૈયારી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સંદર્ભમાં, આજે નવસારી શહેરમાં આવેલી AB હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સકારાત્મક રહીને ફરીવાર પરીક્ષા આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા શિક્ષકોનું વેકેશન રદ કરીને વિદ્યાર્થીઓના ડાઉટ ક્લિયર કરવા માટે તેઓ સતત શાળામાં હાજર રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ 21મી જૂન જાહેર કરવામાં આવી છે. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ NCERT પાઠ્યપુસ્તકોની લીટીએ-લીટી તૈયાર કરે. કોઈપણ પ્રકારના નકારાત્મક વલણ વગર સકારાત્મક માહોલમાં તૈયારી શરૂ કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા કે અન્ય ડિસ્ટ્રેક્શનથી દૂર રહીને પૂરેપૂરું ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત કરવું જોઈએ. આ કપરા સમયમાં શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતે પ્રેરિત રહે અને બાળકોને માનસિક ટેકો પૂરો પાડે. નિષ્ણાતોના મતે, વિદ્યાર્થીઓ પ્રથમ ફેઝ કરતાં પણ વધુ સારો સ્કોર કરી શકે તેવો આત્મવિશ્વાસ રાખવો જોઈએ. વિદ્યાર્થીઓએ ગભરાયા વગર ઈશ્વર અને પોતાની મહેનત પર ભરોસો રાખી 'ફેઝ-૨' ની તૈયારીમાં લાગી જવું જોઈએ.
Read Original Article →