નાગધરા ગામે દીપડો પાંજરે પુરાયો:લાંબા સમયથી ફફડાટ ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

Gujarat4/6/2026, 8:52:40 AM
નાગધરા ગામે દીપડો પાંજરે પુરાયો:લાંબા સમયથી ફફડાટ ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી
નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા નાગધરા ગામમાં લાંબા સમયથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની સતર્કતાને કારણે ગતરાત્રિએ આશરે સાડા ત્રણ વર્ષનો દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગધરા ગામના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાઈ રહ્યો હતો. દીપડાએ અલગ-અલગ જગ્યાએ મરઘાનું મારણ કરવાનું શરૂ કરતા પશુપાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગ્રામજનોએ ગામના સરપંચને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. સરપંચની રજૂઆત બાદ નવસારી સામાજિક વન વિભાગની સુપા રેન્જ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગામમાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગતરાત્રિ દરમિયાન, નાગધરા ગામના રહેવાસી કાન્તુ પટેલના ઘરના વાડામાં ખોરાકની શોધમાં આવેલો દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલો દીપડો આશરે સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાયાની જાણ થતા જ સુપા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર અમિષા પટેલ તથા વન રક્ષક નવલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. હાલમાં સામાજિક વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાશે.
Read Original Article →