નવસારીમાં યુવકની હત્યા કરનાર 6 આરોપીઓ ઝડપાયા:LCBએ 300 CCTV ફૂટેજ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો; છેતરપિંડીથી ગેમમાં રૂપિયા જીત્યા હોવાની શંકાએ યુવકની હત્યા કરાઈ
નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામમાં ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રૂપિયા હારવાની અદાવતમાં છ શખ્સોએ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય યુવકને બેલ્ટ અને દોરડા વડે માર મારી હત્યા કરી હતી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના 04/04/2026ના રોજ ગણેશ સિસોદ્રા ગામની સીમમાં બની હતી. મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના અને હાલ નવસારીમાં રહેતા દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન (ઉંમર 43) સામે આરોપીઓ ગેમમાં રૂપિયા હારી ગયા હતા. આરોપીઓને શંકા હતી કે, રાજુએ છેતરપિંડી કરીને રૂપિયા જીત્યા છે, જેમાંથી અદાવત ઊભી થઈ હતી. આ અદાવતમાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ રાજુ પર હુમલો કર્યો હતો. તેમણે રાજુને દોરડાથી બાંધી, ઢીકામુક્કી અને બેલ્ટ વડે નિર્દયતાથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે રાજુનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગુના સ્થળને જોડતા રસ્તાઓ પરના 300 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ કારમાં ભાગી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીછો કરીને તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મંથન રમેશ બોરાડ (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), ભૌતીક શૈલેષ પ્રજાપતી (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), અશોક ઉર્ફે હસલો દલુ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સિસોદ્રા), જીગ્નેશ ઉર્ફે જીગો રવજી પટેલ (રહે. રંગ ટેકરી, ગણેશ સીસોદ્રા), પ્રતિક ઉર્ફે કાતર સંદીપ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સીસોદ્રા) અને કેવીન મુકેશ પટેલ (રહે. જશોદાનગર, ગણેશ સીસોદ્રા)નો સમાવેશ થાય છે. હાલમાં નવસારી પોલીસે તમામ આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ રીઢા ગુનેગારો છે: ભૌતીક પ્રજાપતી: અગાઉ લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે અશોક હળપતિ: અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે પ્રતિક ઉર્ફે કાતર: બારડોલી, માંડવી અને નવસારી રૂરલમાં જુગારધારાના અનેક ગુનાઓ નોંધાયેલા છે
Read Original Article →