નવસારી મનપા ચૂંટણી: 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી:પ્રદેશની જાહેરાત પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના 13 વોર્ડની તમામ 52 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જોકે, પ્રદેશ કમિટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક સ્તરે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. નવસારી શહેરના ઘાંચી સમાજની વાડી ખાતે સવારથી જ ભાજપના દાવેદારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા શિસ્તબદ્ધ રીતે દરેક વોર્ડની ત્રણ-ત્રણ પેનલના સંભવિત ઉમેદવારોને બોલાવી તેમના ફોર્મ તૈયાર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગતિવિધિ દર્શાવે છે કે પક્ષે સસ્પેન્સ જાળવી રાખીને પણ આંતરિક રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉમેદવારી ફોર્મમાં કોઈપણ પ્રકારની કાયદાકીય ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપ સમર્પિત 15થી વધુ વકીલોની એક વિશેષ ટીમ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા ઉમેદવારોના દસ્તાવેજો અને એફિડેવિટની ઝીણવટભરી તપાસ કરીને ફોર્મ ભરવાની કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં ઉમેદવારોના નામ અંગે ભારે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોર બાદ પ્રદેશ ભાજપ દ્વારા 13 વોર્ડના તમામ 52 ઉમેદવારોના અંતિમ લિસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →