નવસારી મહાપાલિકાનો ચૂંટણીનો જંગ:વોર્ડ નંબર 8માં અસુવિધાઓ અને ખોદાયેલા રસ્તાઓ;સત્તાધારી પક્ષને અનુભવાશે જનતાનો મિજાજ

Gujarat4/5/2026, 11:29:44 AM
નવસારી મહાપાલિકાનો ચૂંટણીનો જંગ:વોર્ડ નંબર 8માં અસુવિધાઓ અને ખોદાયેલા રસ્તાઓ;સત્તાધારી પક્ષને અનુભવાશે જનતાનો મિજાજ
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય તાપમાનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 માં સત્તાધારી ભાજપના કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ અને ઉત્સાહનો માહોલ છે. વેજલપુર વિસ્તારના હૃદય સમાન આ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોની શતરંજ અને વર્ષો જૂની સ્થાનિક સમસ્યાઓ આગામી ચૂંટણીના ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. દાવેદારોની લાંબી યાદી: પક્ષ કોના પર ઉતારશે પસંદગીનો કળશ? વોર્ડ નંબર 8 માં પોતાની પકડ મજબૂત કરવા ભાજપના અનેક લડાયક કાર્યકરોએ કમર કસી છે. વિવિધ શ્રેણીમાં રજૂ થયેલી દાવેદારીઓ પક્ષ માટે પસંદગીની મૂંઝવણ ઉભી કરી શકે તેમ છે, કેમ કે, આ વોર્ડમાં 15 કરતાં વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે OBC મહિલા: જ્યોત્સનાબેન પ્રજાપતિ, સવિતાબેન ચૌધરી સામાન્ય સ્ત્રી: નીતુબેન શાહ OBC પુરુષ: જગદીશ મોદી, અપૂર્વ મિસ્ત્રી, ઉર્વેશ રબારી, જગમલભાઈ દેસાઈ સામાન્ય પુરુષ: વિજય કિકાણી, મહેશ પુરોહિત, નરેશ પુરોહિત, રાજુ પટેલ, કલ્પેશ (લઠ્ઠડ) મહેશ્વરી, હરિઓમ શર્મા બનાસકાંઠાના મતદારોની 'કિંગમેકર' ભૂમિકા વોર્ડ નંબર 8 ના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અહીં મૂળ બનાસકાંઠાથી સ્થળાંતરિત થઈને વસેલા મતદારો હાર-જીતનું ગણિત બદલવાની ક્ષમતા ધરાવે છે. વેજલપુર નગરપાલિકાના અંતિમ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા જગદીશ મોદી છેલ્લા બે ટર્મથી અહીં વિજેતા બની રહ્યા છે, જે તેમની પ્રજાકીય લોકપ્રિયતા અને જમીની પકડનો પુરાવો આપે છે. વોર્ડ નંબર 8ના મતદારોના સંખ્યાબળ સંખ્યા બળની વાત કરીએ તો વોર્ડના મતાધિકાર ધરાવતા નાગરિકોની વિગતવાર વિગતો નીચે મુજબ છે: વિકાસના દાવા અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ ચળકાટ ધરાવતા હોર્ડિંગ્સની પાછળ સ્થાનિક સમસ્યાઓનો અંધકાર હજુ પણ કાયમ છે. એટલે જ તો આ વોર્ડમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ અને બિસ્માર રસ્તાઓના કારણે જનતામાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં અહીં આવેલા ઐતિહાસિક અને વોર્ડની શાન સમાન ગંગા તળાવ પણ હાલ સત્તાધીશોની બેદરકારીનો ભોગ બન્યું છે. બ્યુટીફિકેશનના અભાવે આ જળસ્ત્રોત બિનઉપયોગી બન્યો છે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ તળાવની માવજત કરવામાં આવી હોત તો આ તળાવ શુદ્ધ પાણીનો સોર્સ બની શક્યું હોત. ખોદાયેલા માર્ગો અને હાલાકી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિવાજી ચોકથી દુધિયા તળાવ સુધી પાઈપલાઈનની કામગીરીને કારણે આખું નગર ખોદાયેલું છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામ વચ્ચે વાહનચાલકોની ધીરજ ખૂટી રહી છે અને લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે વોર્ડની ભૌગોલિક સીમારેખા વોર્ડ નંબર 8 માં નવગાળા ચાલ, વ્રજવિહાર એપાર્ટમેન્ટ, મેહા કોમ્પલેક્ષ, સુરગંગા સોસાયટી, વિજયનગર સોસાયટી, કિનલ સોસાયટી, સમર્થ એપાર્ટમેન્ટ, આશાપુરી કોમ્પલેક્ષ, ક્રિસ્ટલ ગોલ્ડ, જીનલ એપાર્ટમેન્ટ, હારમની એપાર્ટમેન્ટ, મંકોડીયા, રંગકૃપા, દેવપ્રયાગ, નાનુવાડી મંકોડીયા, વિશાખાપાર્ક, રઘુકુળ અને પાર્થ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમીધારા, મુનિસુવ્રત દર્શન, શ્રી વિજય આશિષ પેલેસ, ક્રિસ્ટલ પેલેસ, તોરલ સોસાયટી-ચંદનવન, દેવદીપ અને સૂર્યદર્શન એપાર્ટમેન્ટ જેવા વિસ્તારો આ વોર્ડની સીમામાં ધબકે છે. જનતાનો અવાજ: "વહાલા-દવલાની નીતિથી વિજલપોર પર અન્યાય" સ્થાનિક રહીશ કૈલાશ મહાકાળ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે, અહીં રોડ સિવાય એક પણ નક્કર કામ થયું નથી. વિજલપોર અને જલાલપોરના મર્જર બાદ અન્યાયની લાગણી વધી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં વિસ્તાર 'ડેમ'માં ફેરવાઈ જાય છે. વર્ષ 2008 માં જે પાણીનો પ્રોજેક્ટ 4 કરોડનો હતો, તે આજે 40 કરોડને આંબી ગયો છે, છતાં 10 વર્ષની સત્તા ભોગવ્યા બાદ પણ સત્તાધીશો ઘરે-ઘેરે મીઠું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. વિકાસના નામે માત્ર વાયદા? અન્ય એક જાગૃત નાગરિક રમેશભાઈ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહે છે કે, નવા રોડના નામે માત્ર જૂના બ્લોક ફરી બેસાડી દેવાયા છે. ગટરની કુંડીઓ રોડ લેવલથી નીચે જતી રહી હોવાથી અકસ્માતનો ભય રહે છે. મધ્યમ વર્ગના પરિવારોએ પીવાના પાણી માટે મહિને 1,000 રૂપિયા ખર્ચવા પડે છે. વેરો ભરવા છતાં મીઠું પાણી ન મળવું તે તંત્રની નિષ્ફળતા છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, મજૂર વર્ગની દરકાર લેનાર કોઈ નથી. સત્તાધારી પક્ષ "20 વર્ષનો વિકાસ બોલે છે" સામે પક્ષે, સ્થાનિક નરેશ પુરોહિત વિકાસનો દાવો કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને વિજલપોરની કાયાપલટ થઈ છે. વર્ષ 1984 માં જ્યાં રિક્ષા પણ નહોતી આવી શકતી, ત્યાં આજે આધુનિક રસ્તાઓ છે. શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના રસ્તાઓ નવસારીમાં શ્રેષ્ઠ છે. હાલ જે ખોદાણ છે તે ભવિષ્યની પાણી અને ગટરની સુવિધા માટે છે. ભાજપ લોકોની માંગણીઓ પૂરી કરવા સક્ષમ છે અને વિકાસના કામોમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આમ, વોર્ડ નંબર 8માં હાલ તો કેટલાક નાગરિકો સુવિધાના અભાવે અસંતોષ ઠાલવી રહ્યા છે તો કેટલાક નાગરિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે..પરંતુ આખરે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે જનતા આખરે શું ઇચ્છતી હતી અને શું ઇચ્છી રહી છે.
Read Original Article →