રૂ. 91.54 કરોડનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ:નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બે શખ્સોની ધરપકડ, ઠગાઈના નાણાં ક્રિપ્ટોમાં ફેરવતા

Gujarat6/8/2026, 10:07:15 AM
રૂ. 91.54 કરોડનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ:નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બે શખ્સોની ધરપકડ, ઠગાઈના નાણાં ક્રિપ્ટોમાં ફેરવતા
નવસારી સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ કમિશન મેળવીને છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરતા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ. એલ. મોદીના નેતૃત્વ હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ વિજયસિંહને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, જલાલપોર તાલુકાના એરૂ ચાર રસ્તા પાસે આવેલા 'મારૂતી પેલેસ' એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારૂતી પેલેસના ફ્લેટ નંબર B-406માં દરોડો પાડી લખવિંદર શરવન સિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લખવિંદર શરવન સિંહ આઠ ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ બાર ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈની આ રીત શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ્સ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ્સ સંબંધિત 110 ફરિયાદો દાખલ થઈ છે, જેમાં રૂ. 91.54 કરોડથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો મુજબ, મુખ્ય આરોપી લખવિંદર શરવન સિંહ પાસેથી તેના પોતાના અલગ-અલગ નામ ધરાવતા 4 આધાર કાર્ડ અને 4 પાન કાર્ડ મળી આવ્યા છે. પોલીસે આ તમામ નકલી દસ્તાવેજો કઈ રીતે બનાવવામાં આવ્યા હતા તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યાં નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ શકે છે. દરોડા દરમિયાન આરોપીઓના ઘરેથી સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલો મોટો મુદ્દામાલ મળી આવ્યો છે. જેમાં 43 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 7 બેંક પાસબુક, 13 ચેકબુક અને 4 અન્ય ચેક, 3 મોબાઈલ ફોન, 7 વિવિધ કંપનીના સિમ કાર્ડ, 2 રબર સ્ટેમ્પ, 23 આધાર કાર્ડ (પોતાના તેમજ અન્યના), 11 પાન કાર્ડ, 3 ચૂંટણી કાર્ડ, 6 આર.સી. બુક / ડ્રાઈવિંગ લાયસન્સ અને 70 પાસપોર્ટ સાઇઝના ફોટાનો સમાવેશ થાય છે. NCCRP પોર્ટલ પર રૂ. 91.54 કરોડની 110 ફરિયાદો લિંક થઈ પોલીસે જ્યારે પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટ્સ, પાસબુક અને ડિજિટલ ડિવાઈસની નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચકાસણી કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ એકાઉન્ટ્સ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ રૂપિયા 91,54,61,996ની છેતરપિંડીના તાર જોડાયેલા છે, અને કુલ 110 જેટલી સત્તાવાર ફરિયાદો આ એકાઉન્ટ્સ વિરુદ્ધ નોંધાયેલી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓ સામાન્ય અને ભોળા લોકોને આર્થિક લોભ-લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ (જેને સાયબર ગુનાની ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે) તેઓ સાયબર ફ્રોડ આચરતી ગેંગના અન્ય સાગરીતોને પહોંચાડતા હતા. સાયબર ઠગાઈના ભોગ બનેલા લોકોના નાણાં સીધા આ એકાઉન્ટ્સમાં ડિપોઝિટ થતા હતા. ત્યારબાદ આ નાણાં ઉપાડી (વિડ્રો કરી) આરોપીઓ પોતાનું કમિશન કાપી લેતા હતા અને બાકીના કરોડો રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી ક્રિપ્ટો વોલેટ દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી મોકલી આપતા હતા જેથી પોલીસ ટ્રેક ન કરી શકે. BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ આ સમગ્ર મામલે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં માહિતી ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની સત્તાવાર અટકાયત કરવામાં આવી છે. આ આંતરરાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓ અને ક્રિપ્ટો નેટવર્કની લિંક્સ શોધવા માટે પોલીસ હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
Read Original Article →