અશોક ધોરાજીયા નવસારીના પ્રથમ મેયર બન્યા:ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓએ પણ પદભાર સંભાળ્યો

Gujarat5/26/2026, 11:48:22 AM
અશોક ધોરાજીયા નવસારીના પ્રથમ મેયર બન્યા:ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓએ પણ પદભાર સંભાળ્યો
નવસારી મહાનગરપાલિકાની રચના બાદ શહેરને તેના પ્રથમ મેયર મળ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના લગભગ એક મહિના પછી, શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નવસારી મનપાની પ્રથમ સામાન્ય સભામાં અશોક ધોરાજીયાના નામની મેયર તરીકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી. સામાન્ય સભામાં જાહેરાત થયા બાદ, બપોરના 3:30 વાગ્યા પછી અશોક ધોરાજીયાએ મહાનગરપાલિકાના ત્રીજા માળે આવેલી પોતાની કચેરીમાં મેયર પદનો ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે તેમની સાથે ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ અને દંડક રાકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારીઓ ગ્રહણ કરી. નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ શાસક મંડળ હોવાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અશોક ધોરાજીયા અને તેમના સાથી પદાધિકારીઓ મનપા કચેરીએ પહોંચ્યા ત્યારે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પર ઢોલ-નગારાના તાલે અને ફટાકડા ફોડીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું. નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનોની અપેક્ષાઓ વધી ગઈ છે. હાલમાં નવસારી શહેરમાં પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ પડકારજનક છે, જે નવા મેયર માટે મહત્વપૂર્ણ કાર્ય રહેશે. મનપાના શાસકો સામે મુખ્યત્વે પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, બિસ્માર રોડ-રસ્તા અને વરસાદી ડ્રેનેજ જેવી સમસ્યાઓ છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી મળતું નથી, જૂની ગટર લાઈનો અને ઉભરાતી ગટરોની સમસ્યા વ્યાપક છે. ચોમાસા પહેલા અને પછી રસ્તાઓની હાલત સુધારવી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન મજબૂત કરવી અનિવાર્ય છે. આ તમામ પાયાની તકલીફોમાંથી નવસારીના શહેરીજનોને વહેલી તકે રાહત અપાવવી અને મહાનગરપાલિકા કક્ષાની સુવિધાઓ પૂરી પાડવી એ મેયર અશોક ધોરાજીયા અને તેમની નવી ટીમ માટે સૌથી મોટો પડકાર બની રહેશે.
Read Original Article →