નવસારી મનપાની પ્રથમ બોર્ડ બેઠક મંગળવારે:મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી, પ્રથમ મેયર માટે અશોક ધોરાજીયાનું નામ મોખરે
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક સામાન્ય સભા આગામી મંગળવાર, 26 મે, 2026 ના રોજ સવારે 11:00 કલાકે દેવિના પાર્ક સ્થિત ટાઉન હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મનપાના કમિશનર દ્વારા સત્તાવાર એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ નવસારીના પ્રથમ રાજકીય અને વહીવટી માળખાને આખરી ઓપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રથમ સામાન્ય સભામાં મેયર-ડેપ્યુટી મેયર ઉપરાંત 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી અને 8 સભ્યોની ટ્રાન્સપોર્ટ કમિટીની પણ નિમણૂક કરવામાં આવશે. નિયમો અનુસાર, નવસારી મનપાના પ્રથમ ટર્મ માટે મેયરનું પદ 'સામાન્ય' (General) કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ પદ પર ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી જ નિમણૂક કરાશે. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રો જમા કરાવવાની સમયમર્યાદા જાહેર કરાઈ છે. મેયર અને ડેપ્યુટી મેયર પદના દાવેદારો 25 મે, 2026 ના રોજ ઓફિસ સમય દરમિયાન મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસેથી ફોર્મ મેળવી શકશે. સભાના દિવસે નિયુક્ત પ્રમુખ સત્તાધિકારી દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરાયા બાદ 15 મિનિટમાં ભરેલા ફોર્મ સબમિટ કરવાના રહેશે. નવસારીના પ્રથમ મેયર બનવા અંગે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેયરપદની રેસમાં વોર્ડ નંબર 2 ના નગરસેવક અશોક ધોરાજીયાનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. જોકે, આખરી નિર્ણય પક્ષના મોવડી મંડળ દ્વારા સભાના દિવસે જ લેવામાં આવશે.
Read Original Article →