નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં કેરી ચોરી વધી:નાગધરા, પુણી, સાતેમમાં તસ્કરો સક્રિય, ખેડૂતો પરેશાન
નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં આંબાવાડીઓમાંથી કેરીની ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. નાગધરા, પુણી અને સાતેમ સહિતના ગામોના ખેડૂતો રાત્રિ દરમિયાન થતી આ ચોરીઓથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કુદરતી આફતો અને ચોરીના બેવડા મારથી પરેશાન ખેડૂતોએ કડક પોલીસ સુરક્ષાની માંગ કરી છે. સ્થાનિક ખેડૂત જીતુભાઈ પટેલે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આંબા પર સારું ફ્લાવરિંગ આવે ત્યારે વેપારીઓ સાથે સોદો થાય છે, પરંતુ ત્યારબાદ ધુમ્મસ અને વાવાઝોડાને કારણે પાકને મોટું નુકસાન થાય છે. તેમણે ઉમેર્યું કે, કુદરતી આફતોમાંથી જે થોડોઘણો પાક બચે છે, તે રાત્રિ દરમિયાન થતી ચોરીમાં સાફ થઈ જાય છે. આંબાવાડીઓમાંથી બેફામ ચોરી થવાને કારણે દર વર્ષે માત્ર નુકસાન જ ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગામડે-ગામડે કેટલાક લેભાગુ તત્વો વેપારી બનીને વજનકાંટા ગોઠવી દે છે. બજારમાં જ્યારે કેરીનો ભાવ ₹૧૦૦૦ થી ₹૧૨૦૦ પ્રતિ મણ ચાલતો હોય, ત્યારે તસ્કરો રાત્રે ચોરી કરેલી કેરી આ વેપારીઓને અડધા ભાવે વેચી દે છે. આ ગેરકાયદેસર વેપારમાં ચોર અને ખરીદનાર વેપારી બંને કમાણી કરી લે છે, જ્યારે આખું નુકસાન મૂળ ખેડૂતના માથે આવે છે. આના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જે વેપારીઓએ ખેડૂતો પાસેથી આખી વાડી રાખેલી હોય છે, તેઓ પાક ઓછો ઉતરતા નુકસાની ભોગવવા તૈયાર થતા નથી. આખરે તમામ આર્થિક બોજ ખેડૂતો પર આવે છે અને તેમણે વેપારીઓ સાથે મજબૂરીમાં સેટલમેન્ટ કરવું પડે છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ખેડૂતો હવે આંબાના ઝાડ કાપી નાખવા સુધીનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
Read Original Article →