‘ભાડું ચૂકવવું કે ઘર ચલાવવું સમજાતું નથી’:નવસારીના આંબાવાડિયામાં ‘ગ્રહણ’, પ્રતિકૂળ આબોહવા ને અસહ્ય ગરમીને કારણે કેરીના પાકને નુકશાન; ઇજારદારોને ખાવાના પણ ફાંફા

Gujarat5/15/2026, 5:54:16 AM
‘ભાડું ચૂકવવું કે ઘર ચલાવવું સમજાતું નથી’:નવસારીના આંબાવાડિયામાં ‘ગ્રહણ’, પ્રતિકૂળ આબોહવા ને અસહ્ય ગરમીને કારણે કેરીના પાકને નુકશાન; ઇજારદારોને ખાવાના પણ ફાંફા
દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની સ્વાદપ્રિય જનતા આતુરતાથી રાહ જોતી હોય છે તે હાફુસ અને કેસર કેરી પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ જણાય છે. નવસારી જિલ્લામાં આ વર્ષે કેરીના પાકને કુદરતી પરિબળોનો બેવડો માર પડ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, ખેડૂતો અને વાડી રાખનારા ઇજારદારો માટે દવાનો ખર્ચ કાઢવો પણ લોઢાના ચણા ચાવવા સમાન બન્યો છે. કુદરતનો પ્રકોપ: ઠંડીનો અભાવ અને ગરમીનો આતંક આ વર્ષે આંબાના પાક માટે વાતાવરણ શરૂઆતથી જ પ્રતિકૂળ રહ્યું છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકિન પટેલના જણાવ્યા અનુસાર, શિયાળા દરમિયાન કેરીના ફાલ માટે જરૂરી એવી તીવ્ર ઠંડી આ વખતે પડી નથી. તેના બદલે આખો શિયાળો ઝાકળ અને હિમવર્ષા જેવું ભેજવાળું વાતાવરણ રહેતા આંબા પર આવેલો મોર (મધર) મોટા પ્રમાણમાં ખરી પડ્યો હતો. હાલમાં જે 15 થી 20 ટકા જેટલો પાક બચ્યો છે, તેની સામે હવે અસહ્ય ગરમી અને હીટવેવ નવું સંકટ બનીને આવ્યું છે. વધતા તાપમાનને કારણે ઝાડ પર રહેલી કેરીઓ ટકવી મુશ્કેલ બની છે અને તે ખરી રહી છે અથવા બળી રહી છે. ઇજારદારોની આર્થિક કમર તૂટી: ‘ખાવાના પણ ફાંફા’ કેરીના પાક પર નિર્ભર રહેતા ઇજારદારો (પરવાનાધારકો) અત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં છે. વર્ષોથી વાડી ભાડે રાખીને વેપાર કરતા શેખ મોહમ્મદ રહેમાને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યાં અમને 6,000 થી 8,000 મણ માલની અપેક્ષા હતી, ત્યાં અત્યારે માંડ 700 થી 1,000 મણ જેટલો જ માલ બચ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધી વાદળછાયા વાતાવરણને કારણે દર ચાર દિવસે દવાનો છંટકાવ કરવો પડ્યો છે. આટલા ખર્ચ પછી પણ પાક બચ્યો નથી. હવે ખેડૂતોને ભાડું ચૂકવવું કે ઘર ચલાવવું, તે સમજાતું નથી. બજારની સ્થિતિ અને ગુણવત્તાનો પ્રશ્ન હાલમાં માર્કેટમાં કેરીના ભાવ ₹1,400 થી ₹1,600ની આસપાસ હોવા છતાં આવક નહિવત્ છે. માલ ઓછો હોવાની સાથે તેની ગુણવત્તા પર પણ અસર પડી છે. વાતાવરણના ફેરફારને કારણે કેરી અપરિપક્વ દેખાઈ રહી છે. મુખ્ય પડકારો: દક્ષિણ ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં કેરીનો ફાળો સિંહફાળો છે, પરંતુ આ વર્ષે ખેડૂતો અને ઇજારદારો બંને આર્થિક પાયમાલીના આરે આવી ઊભા છે. વાતાવરણના આ 'માઠા' વર્ષે જગતના તાતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે સમગ્ર નવસારી જિલ્લાના કૃષિ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Read Original Article →