નવસારીમાં 34 વર્ષીય યુવક પર હુમલો:કડું મારી નાકનું હાડકું તોડ્યું, ભાઈને બચાવવા વચ્ચે પડતા ત્રણ શખ્સોએ બચકાં ભર્યા
નવસારી શહેરમાં કાગદીવાડ વિસ્તારના એક ફર્નિચર વ્યવસાયી યુવક પર ત્રણ શખ્સોએ હિંસક હુમલો કર્યો છે. ભાઈ સાથે પૈસાની લેતી-દેતીના ઝઘડામાં વચ્ચે પડતા આરોપીઓએ યુવકને ઢીકમુક્કીનો માર મારી, નાકના ભાગે કડું ઝીંકી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના કાગદીવાડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય નસરૂખાન વાહિદખાન પઠાણ ગત રાત્રિના દસેક વાગ્યે પોતાની પત્ની અને બે બાળકો સાથે મોપેડ પર જૂનાથાણા તરફ આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા હતા. ટેકનીકલ સ્કૂલ પાસે આવેલી એક કેકની દુકાન સામે તેમના ભાઈ ફૈઝલ સાથે ત્રણ શખ્સો ઝઘડો કરી રહ્યા હતા. રૂ.1000ની લેતી-દેતીના મામલે આ ઝઘડો ચાલી રહ્યો હતો. પોતાના ભાઈ ફૈઝલને બચાવવા નસરૂખાન વચ્ચે પડતા આરોપીઓ આદીલ આસિફ મેમણ, ટિનિયો ઉર્ફે આસિફ મેમણ અને નીલુ આસિફ મેમણ તેમના પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ નસરૂખાન સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન નીલુ મેમણે નસરૂખાનના ડાબા હાથ અને ખભાના ભાગે બચકાં ભર્યા હતા. આદીલ મેમણે પોતાના હાથમાં પહેરેલું કડું હથિયાર તરીકે વાપરી નસરૂખાનના નાક પર ફટકારી દીધું હતું. હુમલાખોરોએ નાકના ભાગે ઉપરાછાપરી મુક્કા મારતા નસરૂખાન લોહીલુહાણ હાલતમાં નીચે ફસડાઈ પડ્યા હતા. ત્યારબાદ ભાઈ ફૈઝલ અને મિત્રો તેમને તાત્કાલિક નવસારી પારસી હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં લઈ ગયા હતા. તબીબી તપાસમાં તેમના નાકના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું અને ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નસરૂખાને હોસ્પિટલના બિછાનેથી ત્રણેય હુમલાખોરો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →