વડાપ્રધાનની સોનું ન ખરીદવાની અપીલથી જ્વેલર્સ ચિંતિત:નવસારીની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી, કારીગરો સામે રોજગારીનું મોટું સંકટ; હીરા ઉદ્યોગમાં પણ મંદીના વાદળો
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ કરી છે. આ અપીલ સાથે સરકારે સોનાની આયાત પર ટેરિફ વધારતા સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પીએમની આ અપીલને જ્વેલર્સ એસોસિએશને દેશહિતમાં સમર્થન આપ્યું છે, પરંતુ આ જાહેરાત બાદ સ્થાનિક સોની બજાર અને જ્વેલરી ઉદ્યોગમાં ભારે ચિંતા વ્યાપી છે. ખાસ કરીને નવસારીના જ્વેલર્સ, સોનાના કારીગરો અને હીરા વેપારીઓ આગામી સમયને લઈને ચિંતિત બન્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે. એક સમયે રૂ. 50 હજારની આસપાસ મળતું સોનું આજે રૂ. 1.50 લાખને પાર પહોંચી જતાં દાગીનાની બનાવટમાં અગાઉથી જ 50 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હતો. પીએમની અપીલ બાદ છેલ્લા બે દિવસથી બજારમાંથી ગ્રાહકો ગાયબ થઈ ગયા છે. નવસારીના જોષી મોહલ્લામાં આવેલા આર. કે. જ્વેલર્સના ગણેશ મલ્લે જણાવ્યું હતું કે, "નવા ઓર્ડર કે ગ્રાહકો બિલકુલ દેખાતા નથી. હાલ માત્ર જૂના પેન્ડિંગ કામો જ પૂરા કરવામાં આવી રહ્યા છે. ઘરાકી ન હોવાને કારણે સાંજે 6 વાગ્યે જ દુકાનો બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે." નવસારી શહેરમાં નાના-મોટા મળીને 200થી વધુ અને સમગ્ર જિલ્લામાં આશરે 400થી વધુ જ્વેલર્સ આવેલા છે. આ ઉદ્યોગ સાથે નવસારીમાં વસેલા અંદાજે 2000 જેટલા બંગાળી કારીગરો જોડાયેલા છે, જેઓ સોનાના દાગીના બનાવવાનું પરંપરાગત કામ કરે છે. ગ્રાહકોની પાંખી હાજરી અને જ્વેલર્સ તરફથી નવા ઓર્ડર ન મળવાને કારણે આ શ્રમિક વર્ગ સામે હવે રોજગારીનું મોટું સંકટ ઊભું થયું છે. લાંબા ગાળે આ નિર્ણયથી જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલા 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે. દાગીનાનું વેચાણ ઘટશે તો હીરા ઉદ્યોગ પણ ડૂબશે
સોની બજારની આ મંદીની સીધી અસર નવસારીના હીરા ઉદ્યોગ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે. વૈશ્વિક મંદી અને યુદ્ધની સ્થિતિને લીધે ડાયમંડ સિટી ગણાતા દક્ષિણ ગુજરાતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં મોટાભાગના હીરાનો ઉપયોગ ગોલ્ડ જ્વેલરીમાં થતો હોવાથી, જો સોનાના દાગીનાની ખરીદી બંધ કે ઓછી થશે, તો હીરાની માગ પણ તળિયે બેસી જશે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કમલેશ માલાણી સહિતના વેપારીઓએ આ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. નવસારી જિલ્લામાં જ્વેલરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 400 કરોડ જેટલું છે, જેના પર આ નિર્ણયની વ્યાપક અસર જોવા મળશે. ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ વધુ ઉપયોગી નીવડત: પ્રશાંત પારેખ
નવસારી જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રશાંત પારેખે જણાવ્યું હતું કે, "સરકારના આ પગલાથી લાંબા ગાળે સોના પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે, પરંતુ હાલ પૂરતો વોલ્યુમ બિઝનેસ ઘટશે. લોકોના પગાર કપાત અને અન્ય આનુષંગિક ઉદ્યોગો પર પણ માઠી અસર થશે. સરકાર આ અપીલના બદલે 'ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ' લાવી હોત અથવા ડ્યુટીમાં માત્ર 5 ટકા જેટલો સામાન્ય વધારો કર્યો હોત તો ઉદ્યોગ બચી શક્યો હોત. જોકે, દેશહિતના આ નિર્ણયમાં જ્વેલર્સ એસોસિએશન સરકારની સાથે છે. પીએમ મોદીની દેશહિતની આ અપીલને જનતા ચોક્કસપણે આવકારી રહી છે, પરંતુ તેની આડઅસરરૂપે જ્વેલરી, હીરા ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા લાખો પરિવારોના ભવિષ્ય સામે હાલ પૂરતો એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન જરૂર મુકાયો છે.
Read Original Article →