નવસારી નજીક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:નીરમા કંપનીના MD સહિત 5 લોકો સવાર હતા, પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
નવસારી શહેરને અડીને આવેલા મગોબ ભાઠા ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. હવામાં ઉડી રહેલા એક હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગામની ખુલ્લી જગ્યામાં તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ હેલિકોપ્ટરમાં નીરમા કંપનીના MD હિરેન પટેલ, સાથે ધ્રુવિલ પટેલ અને દેવ પટેલ સહિત 5 લોકો સવાર હતા. હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ
મળતી માહિતી મુજબ, નીરમા ગ્રુપના MD હિરેન પટેલ અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન હવામાં હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખામીની જાણ થતા જ પાયલટે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. પાયલટની સમયસૂચકતાએ જીવ બચાવ્યા
કેપ્ટન કરણસિંહ દહિયા અને કુલદીપ મહેતા હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા. જોકે, હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો, પરંતુ પાયલટે અત્યંત ધીરજ અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે હેલિકોપ્ટરને રહેણાંક વિસ્તાર કે જોખમી જગ્યાએ લઈ જવાને બદલે મગોબ ભાઠા ગામ આવેલી એક સુરક્ષિત અને ખુલ્લી જગ્યા પસંદ કરી હતી. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો બાય રોડ મુંબઈ જવા રવાના થયા
પાયલટે કુશળતાપૂર્વક ONGCનાં વાલ્વથી 500 મીટર દૂર હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હેલિકોપ્ટરમાં સવાર હિરેન પટેલ, ધ્રુમિલ પટેલ સહિતના તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા. હેલિકોપ્ટરને જોવા સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યાં
બીજી તરફ, ખેતરમાં ઉતારવામાં આવેલા હેલિકોપ્ટરને રિપેર કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી છે. ટેકનિકલ તપાસ બાદ જ હેલિકોપ્ટરમાં કયા કારણોસર ખામી સર્જાઈ હતી તે સ્પષ્ટ થશે. હાલમાં હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Read Original Article →