નવસારીમાં ગરમીનો પ્રકોપ, તાપમાન 41 ડિગ્રી પાર:સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે 30 બેડનો વોર્ડ તૈયાર
નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. સવારના સમયે અસહ્ય બફારો અને બપોરે ફૂંકાતી લૂને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે નવસારીનું મહત્તમ તાપમાન 41.3°C અને લઘુત્તમ તાપમાન 26.5°C નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેતા બફારાનો અનુભવ થયો હતો, જ્યારે સાંજે ભેજ ઘટીને 33% થતા સૂકી ગરમી અને લૂનો અનુભવ થયો હતો. પવનની ગતિ માત્ર 3.5 કિમી પ્રતિ કલાક રહેતા ગરમી વાતાવરણમાં સ્થિર રહી હતી. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર વિરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો ખાસ ઈમરજન્સી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈમરજન્સી વિભાગમાં વધારાના ડોક્ટરો, સિસ્ટર અને ક્લાસ-4 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકની સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે. કૃષિ નિષ્ણાતોએ ગ્લોબલ વોર્મિંગને કારણે વધી રહેલા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, સતત ઊંચા તાપમાનને કારણે ઉભા પાક સુકાઈ જવાની શક્યતા છે, જે ખેડૂતોની આવક પર સીધી અસર કરી શકે છે. ગરમી અને લૂથી બચવા માટે નાગરિકોને કેટલીક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. દિવસ દરમિયાન પુષ્કળ પાણી, છાશ અને નાળિયેર પાણી પીવું, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે માથું ટોપી કે રૂમાલથી ઢાંકવું અને બપોરે 12 થી 4 ના ગાળામાં બિનજરૂરી પ્રવાસ ટાળવો જરૂરી છે. જો ગરમીને કારણે ચક્કર આવે અથવા બેભાન જેવી સ્થિતિ સર્જાય, તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગનો સંપર્ક કરવો.
Read Original Article →