નવસારી ગેરકાયદે ખનન મામલે કલેક્ટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા:ભૂમાફિયાઓ લીઝને બદલે ગૌચરની જમીન ખોદી, RTO અને માપણી વિભાગને તપાસ સોંપાઈ

Gujarat5/25/2026, 11:11:39 AM
નવસારી ગેરકાયદે ખનન મામલે કલેક્ટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા:ભૂમાફિયાઓ લીઝને બદલે ગૌચરની જમીન ખોદી, RTO અને માપણી વિભાગને તપાસ સોંપાઈ
નવસારીના આમડપોર ગામે ચાલી રહેલા ગેરકાયદેસર માટી અને રેતી ખનન કૌભાંડ મામલે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. સ્થાનિક ગ્રામજનોની લાંબા સમયની રજૂઆતો બાદ, નવસારી જિલ્લા કલેક્ટરે આ સમગ્ર કૌભાંડ અંગે કડક વલણ અપનાવી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે. ગૌચરની જમીન પર મંજૂરી વિના ધમધમતા આ ગેરકાયદેસર ખનનને કારણે ભૂમાફિયાઓ અને સંડોવાયેલા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, આમડપોર ગામના ગ્રામજનોએ આશરે એક મહિના પહેલાં તંત્રને લેખિત ફરિયાદ કરી હતી. નિયમ મુજબ જે વિસ્તારમાં લીઝ ફાળવવામાં આવી હતી, તેના બદલે ભૂમાફિયાઓ દ્વારા ગામની ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. નદી કિનારાને બદલે ગૌચરની જમીન પર ખોદકામ થતાં પર્યાવરણ અને પશુઓના ચરિયાણ માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે માપણી વિભાગ (ડીઆઈએલઆર) ને સરવે કરવા સૂચના આપી છે. માપણી વિભાગ તપાસ કરશે કે ભૂમાફિયાઓએ કેટલા ચોરસ મીટર વિસ્તારમાં અને કેટલે ઊંડે સુધી ગેરકાયદેસર ખનન કરીને સરકારી સંપત્તિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત, રેડ દરમિયાન ઝડપાયેલી ટ્રકો પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી. આ આખી સિન્ડિકેટ કઈ રીતે કાર્યરત હતી તેની તપાસ માટે આરટીઓ (RTO) વિભાગને પણ તપાસ સોંપવામાં આવી છે. નંબર પ્લેટ વિનાની આ ટ્રકો કોની માલિકીની છે અને તેના અસલી માલિક કોણ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. આમડપોર ગામના રહીશોનો આક્ષેપ છે કે આટલા મોટા પાયે થઈ રહેલું ખનન સ્થાનિક તંત્રની મિલીભગત વિના શક્ય નથી. આ જ કારણે હવે નવસારી ખાણ ખનીજ વિભાગના સ્થાનિક અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. કલેક્ટર સ્તરેથી મળેલી સૂચનાઓ બાદ, જો ખાણ ખનીજ વિભાગના કોઈ અધિકારીની સંડોવણી કે બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ ખાતાકીય પગલાં લેવાઈ શકે છે.
Read Original Article →