નવસારીમાં પૂર્ણા નદીમાંથી યુવાનનો બચાવ:પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પાંચ ફાયર જવાનોનું સફળ ઓપરેશન;30 મિનિટમાં બચાવ્યો
નવસારીના ધારાગીરી વિસ્તાર પાસે આજે બપોરે પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકેલા 35 વર્ષીય વિકી ગામીત નામના યુવાનને ફાયર બ્રિગેડની ટીમે માત્ર 30 મિનિટના ટૂંકા ગાળામાં આધુનિક સાધનોની મદદથી સહીસલામત બહાર કાઢી મોટો જીવતદાન આપ્યો છે. બ્રિજના પિલરનો સહારો મળી જતાં યુવાન તણાયો નહોતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ અને ફાયર ટીમની તાકીદની દોડ બપોરે 2:00 વાગ્યે ધારાગીરી પાસે પૂર્ણા નદીના બ્રિજ નજીક એક યુવાન પાણીમાં હોવાનો ઇમરજન્સી કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને નવસારી ફાયર બ્રિગેડના 5 જવાનોની ટીમ આધુનિક રેસ્ક્યૂ સાધનો સાથે વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પિલરના બીમનો સહારો બન્યો યુવાન માટે સંજીવની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવાન નદીની વચ્ચે આવેલા બ્રિજના પિલરના બીમ વચ્ચે ફસાયેલો હતો. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં, આ બીમનો મજબૂત સહારો મળી જવાથી યુવાન પાણીના વહેણમાં આગળ તણાઈ જતો અટકી ગયો હતો, જે તેની જિંદગી બચાવવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ સાબિત થયું હતું. 30 મિનિટનું દિલધડક અને સફળ રેસ્ક્યૂ ઓપરેશન ફાયર ફાઈટર્સે પિલર પાસે ફસાયેલા વિકી ગામીતનું ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યું અને ઊંડા પાણીમાં આયોજનબદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયરના જવાનોએ પોતાની કુશળતા અને ભારે જહેમતના જોરે માત્ર 30 મિનિટમાં જ યુવાનને હેમખેમ નદીમાંથી બહાર કાઢી લીધો હતો. આ ત્વરિત અને સાહસિક કામગીરીને સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ મુક્તકંઠે બિરદાવી હતી. નદીમાં ખાબકવા પાછળનું રહસ્ય અકબંધ: પોલીસ તપાસ શરૂ વિકી ગામીત નદીમાં કેવી રીતે પડ્યો તે રહસ્ય હજી અકબંધ છે. તેણે આત્મહત્યાના ઇરાદે બ્રિજ પરથી છલાંગ લગાવી હતી કે પછી અકસ્માતે પગ લપસવાને કારણે તે નદીમાં ખાબક્યો હતો, તે અંગે કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી. હાલમાં સ્થાનિક પોલીસે યુવાનની પૂછપરછ અને મામલાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →