ખેતરમાં વીજ કરંટથી આધેડ, બે ભેંસ,1 વાછરડાંનાં મોત:પાક બચાવવા ગેરકાયદેસર કરંટ મુકાયો, મરોલી પોલીસે તપાસ શરૂ કરી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામે એક ખેતરમાં પાક બચાવવા માટે ગેરકાયદેસર રીતે છોડવામાં આવેલા વીજ કરંટની ઝપેટમાં આવતા એક આધેડ અને ત્રણ ભેંસોના મોત થયા છે. છીણમ ગામના 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ અને ત્રણ ભેંસોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, તવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં રખડતા પશુઓથી પાકને બચાવવા માટે ખેડૂતે ખેતરની ફરતે લગાવેલી લોખંડની ફેન્સિંગમાં 440 વોલ્ટની મોટરમાંથી સીધો વીજ કરંટ છોડ્યો હતો. આ જીવલેણ કરંટની ઝપેટમાં આવતા ત્રણ ભેંસો ફસાઈ ગઈ હતી. તે જ સમયે, નજીકના છીણમ ગામના રહેવાસી 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ પણ આ હાઈ-વોલ્ટેજ કરંટની પકડમાં આવી ગયા હતા. વીજળીનો આંચકો એટલો પ્રચંડ હતો કે વસંતભાઈ અને ત્રણેય ભેંસોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મરોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું ખેડૂતે માનવ જીવન જોખમમાં મૂકી શકે છે તે જાણવા છતાં ઇરાદાપૂર્વક અને ગેરકાયદેસર રીતે આ જીવલેણ વીજ કરંટ ફેન્સિંગમાં છોડ્યો હતો. જો ગુનાહિત બેદરકારી સાબિત થશે, તો ખેડૂત સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.
Read Original Article →