નવસારી ભાજપ ઉમેદવારોની યાદી આજે રાત્રે જાહેર થશે:કોંગ્રેસ આવતીકાલે સવારે ઉમેદવારોની જાહેરાત કરશે
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સત્તાધારી ભાજપમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણનો આજે અંત આવી શકે છે. ગાંધીનગરના 'કમલમ' ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના નામો પર મંથન શરૂ થવાની તૈયારી છે. ગાંધીનગર ખાતે મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના મહામંત્રીઓ હાજર રહ્યા છે. અત્યાર સુધી અન્ય મહાનગરપાલિકાઓના ઉમેદવારો અંગે ચર્ચા ચાલતી હોવાથી નવસારીનો વારો આવ્યો ન હતો, પરંતુ હવે ટૂંક સમયમાં નવસારીના 13 વોર્ડની 52 બેઠકો માટેના ઉમેદવારો પર મહોર મારવામાં આવશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ઉમેદવાર પસંદગીમાં કડક માપદંડો અપનાવવામાં આવ્યા છે. જે દાવેદારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવશે નહીં. ઉપરાંત, 60 વર્ષથી વધુ વય ધરાવતા દાવેદારોની પણ બાદબાકી કરવામાં આવશે. પક્ષ માટે વર્ષોથી ખંતથી કામ કરતા હોય અને જીતવાની ક્ષમતા ધરાવતા યુવા ચહેરાઓને મેદાને ઉતારવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠકો માટે આ જંગ ખેલાવાનો છે, જેમાં કુલ 3,05,653 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 11 એપ્રિલ છે. સમય ઓછો હોવાથી ભાજપ આજે મોડી રાત સુધીમાં યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, કોંગ્રેસે પણ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે અને તેમના ઉમેદવારોનું લિસ્ટ આવતીકાલે (શુક્રવારે) વહેલી સવારે જાહેર કરવામાં આવશે. હાલમાં તો તમામ દાવેદારો અને કાર્યકરોની નજર ગાંધીનગર કમલમ પર ટકેલી છે. કયા વોર્ડમાં કોનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાને તક મળશે તેને લઈને નવસારીના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
Read Original Article →