આયોજન:નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25મીએ

Gujarat5/19/2026, 12:00:00 AM
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આખરે 25 મે ને સોમવારે કરવાની જાહેરાત થઇ છે. નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી હાલમાં જ થઈ હતી જેનું પરિણામ 28 એપ્રિલના રોજ જાહેર થયું હતું. આ પરિણામમાં કુલ 30 બેઠકોમાંથી 27 બેઠકો ઉપર ભાજપ વિજયી થયું તો કોંગ્રેસ 3 બેઠક ઉપર વિજયી થયું હતું. પરિણામ જાહેર થયાને 18 દિવસથી વધુ થઈ ગયા પણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની તારીખ બહાર આવી ન હતી, જોકે હવે તારીખ બહાર આવી છે. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી 25 મે ને સોમવારના રોજ 12 કલાકે થશે. અહીં ઉલ્લેખનીય છે જે પ્રમુખપદ મહિલા સામાન્ય જાહેર થયું છે. આ પદ ઉપર ભાજપના ચૂંટાયેલ સભ્યોમાં ત્રણ મહિલા સભ્યો રેસમાં હોવાની જાણકારી બહાર આવી છે. જેમાં નિરાલી નાયક, અમિતાબેન પટેલ તથા અન્ય એક ઉમેદવાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તા.પં.પ્રમુખોની ચૂંટણી 23 મે એ હાલમાં નવસારીમાં જિલ્લા પંચાયત સાથે અન્ય 6 તાલુકા પંચાયતોના પરિણામો પણ જાહેર થયા અને ત્યાં પણ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થવાની વાટ જોવાતી હતી. જેનો પણ કાર્યક્રમ આવી ગયો છે અને તમામ 6 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 23 મે શનિવારના રોજ થશે.
Read Original Article →