નવસારી જિલ્લામાં ત્રણ ગમખ્વાર હિટ એન્ડ રન:વાંસદા, ચીખલી, ગણદેવીમાં 24 કલાકમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં હિટ એન્ડ રનની ત્રણ અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં બે મહિલાઓ સહિત કુલ ત્રણ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ ઘટનાઓ વાંસદા, ચીખલી અને ગણદેવી પોલીસ મથકની હદમાં બની હતી. ત્રણેય કિસ્સાઓમાં અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહનચાલકો માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 1.વાંસદા: દોલધા ગામની સીમમાં પૂરઝડપે આવતા વાહનની ટક્કરે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત હિટ એન્ડ રનની પ્રથમ ઘટના વાંસદાથી ચીખલી જવાના મુખ્ય જાહેર માર્ગ પર દોલધા ગામની સીમમાં પ્રકાશમાં આવી હતી. વાંસદા તાલુકાના કંબોયા ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ગોપાળભાઈ પટેલના માતા સુખલીબેન ગત ૫ જૂનના રોજ સાંજના સમયે દોલધા ગામના સડક ફળિયા નજીકથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વાંસદા તરફથી ચીખલી તરફ જઈ રહેલા એક અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુખલીબેનને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં સુખલીબેનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે વાંસદા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.આહિરે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. ચીખલી: ચરી ચાર રસ્તા પાસે અડફેટે આવેલી અટગામની મહિલાનું 15 દિવસની સારવાર બાદ મોત બીજી ઘટના ચીખલીના ચરી ચાર રસ્તા નજીક બની હતી, જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાએ લાંબી સારવાર બાદ આખરે દમ તોડ્યો છે. વલસાડ તાલુકાના અટગામ (નાની ભોયાવાડ ફળીયા) ખાતે રહેતા અને રમેશભાઇ શુક્કરભાઇ પટેલના વિધવા બહેન સંગીતાબેન ગત ૨૦મી મેના રોજ રાત્રિના સમયે ચરીથી ચીખલી જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સંગીતાબેનને મોઢાના ભાગે તેમજ જડબામાં ગંભીર ફ્રેક્ચર સહિતની અસહ્ય ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક ચીખલી રેફરલ હોસ્પિટલ, ત્યારબાદ વલસાડ સિવિલ અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરતમાં લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં થોડો સુધારો જણાતા ગત 1 જૂનના રોજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, 4 જૂના રોજ અચાનક તેમની તબિયત ફરીથી લથડતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે અટગામ PHC હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ અમિતભાઇ અરવિંદભાઇ પટેલની ફરિયાદના આધારે ચીખલી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ આર.એન. વાડલેને સોંપી છે. 3. ગણદેવી: અજરાઈ રોડ પર મોપેડ સવાર આધેડને પાછળથી ટક્કર મારી ડિવાઈડર સાથે ભટકાવતા કાળ ભેટી ગયો જિલ્લામાં ત્રીજો ગમખ્વાર અકસ્માત ગણદેવીથી નવસારી જતા અજરાઈ રોડ પર નોંધાયો હતો. ગણદેવીના માણેકપોર (ભગત ફળિયું) ખાતે રહેતા સુશીલકુમાર મથુરાપ્રસાદ પાંડે ગત 4 જૂનના રોજ રાત્રિના સમયે પોતાની કાળા-લાલ રંગની પ્લેઝર મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજરાઈ ગામની સીમમાં આવેલા ઈશ્વર ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટથી થોડે આગળ વળાંક પાસે એક અજાણ્યા વાહનચાલકે પાછળથી ગફલતભરી રીતે વાહન હંકારી લાવી મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સુશીલકુમાર મોપેડ પરથી ફગાઈને રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં તેઓને મોઢાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ચાલક નાસી છૂટ્યો હતો. મૃતકના પુત્ર ચન્દ્રેશભાઈ પાંડેની ફરિયાદના આધારે ગણદેવી પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →