અમેરિકા-ઈરાન યુદ્ધની અસર: નવસારીમાં ડીઝલની અછત:ટ્રક ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં, કાપણી અટકી

Gujarat5/22/2026, 8:31:22 AM
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર: નવસારીમાં ડીઝલની અછત:ટ્રક ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં, કાપણી અટકી
વૈશ્વિક તણાવને કારણે ભારતમાં ઇંધણની તંગી અને ભાવવધારાનો બેવડો માર પડ્યો છે. નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ડીઝલનો પુરવઠો મર્યાદિત થતાં ટ્રક અને ટેમ્પો ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કાપણીની સિઝનમાં ખેડૂતોને ડીઝલ ન મળતાં પાક નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહ્યો છે, જેને પગલે વહીવટી તંત્રને રજૂઆત કરાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતીય બજારમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં ટૂંકા ગાળામાં બે વાર વધારો થયો છે. ભાવવધારા ઉપરાંત, હવે ઇંધણના પુરવઠાની અછત પણ વર્તાઈ રહી છે, જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રને મોટો ફટકો આપી રહી છે. નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પરના પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો મર્યાદિત માત્રામાં પહોંચી રહ્યો છે. સપ્લાય સમયસર હોવા છતાં, ઓછો જથ્થો મળવાને કારણે પંપ સંચાલકો દ્વારા ડીઝલનું રેશનિંગ કરવામાં આવી રહ્યું છે. પરિણામે, હાઈવે પર દોડતા ટ્રક અને ટેમ્પો જેવા કોમર્શિયલ વાહનોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી. અનેક પંપો પર વાહન દીઠ માત્ર 100 લીટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે બે દિવસમાં પૂરી થતી સફર હવે પાંચ દિવસ જેટલો સમય લઈ રહી છે. સમયના વ્યય ઉપરાંત, માલ-સામાન સમયસર ન પહોંચતા ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. હાલમાં ખેતીમાં કાપણીની મહત્વની સિઝન ચાલી રહી છે. ટ્રેક્ટર્સ અને અન્ય કૃષિ સાધનો માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા કાપણીની કામગીરી ખોરંભે પડી છે. ચોમાસું નજીક હોવાથી, જો સમયસર પાકની કાપણી નહીં થાય તો તૈયાર પાક ખેતરમાં જ સડી જવાનો ભય છે. આનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
Read Original Article →