ચીખલીમાં ભાજપને મોટો ઝટકો:સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હરણગામના ડે.સરપંચ 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, પત્ની રાનકુવા બેઠક પરથી લડશે ચૂંટણી
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નવસારી જિલ્લામાં પક્ષ-પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ચીખલી તાલુકાના હરણગામમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અહીંના ડેપ્યુટી સરપંચે પોતાના 100થી વધુ કાર્યકરો સાથે કેસરીયો ત્યાગી પંજો પકડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અનંત પટેલની હાજરીમાં વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ
ચીખલીના હરણગામના ડેપ્યુટી સરપંચે ભાજપ સાથેના છેડા ફાડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે તમામ કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, હરણગામના 100થી વધુ સક્રિય ભાજપ કાર્યકરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂતી આપશે. પત્ની રાનકુવા બેઠક પરથી મેદાનમાં
આ પક્ષ-પલટાની સાથે જ કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસમાં જોડાયેલા ડેપ્યુટી સરપંચની પત્ની રાનકુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચીખલી તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હસ્તગત કરવા માટે કોંગ્રેસ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહી છે. વાંસદામાં લોકપ્રિયતાનો જંગ
એક તરફ કોંગ્રેસ કાર્યકરોને પોતાની તરફ ખેંચી રહી છે, તો બીજી તરફ વાંસદા વિસ્તારમાં ભાજપના સાંસદ ધવલ પટેલની વધતી લોકપ્રિયતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે. ધવલ પટેલના વધતા પ્રભાવને પગલે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ચીખલી અને વાંસદા પંથકમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જામી છે.
Read Original Article →