નવસારીમાં રહેણાક વિસ્તાર નજીક મગર દેખાયો:દાંતેજ નહેર પાસે દેખાતાં રહીશોમાં ભય; વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું

Gujarat6/3/2026, 11:44:06 AM
નવસારીમાં રહેણાક વિસ્તાર નજીક મગર દેખાયો:દાંતેજ નહેર પાસે દેખાતાં રહીશોમાં ભય; વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું
નવસારી શહેરમાં પ્રથમ વખત રહેણાક વિસ્તાર નજીક મગર દેખાયો છે. દાંતેજ વિસ્તાર પાસેની નહેર બહાર એક કદાવર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતેજ પાસેની નહેરની બહાર મગર જોવા મળ્યો હતો. રહેણાક વિસ્તાર નજીક નહેર કિનારે ફરતા આ મગરને એક સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. મગરનો વીડિયો વાયરલ થયા બાદ અને સ્થાનિકો દ્વારા જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોની સુરક્ષા માટે મગરને પકડવા માટે નહેરની આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ નવસારીના મરોલી કાંઠા વિસ્તારમાં મગર દેખાવાની ઘટનાઓ બની હતી. જોકે, શહેરી અને રહેણાક વિસ્તારની આટલી નજીક મગર દેખાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. વન વિભાગે સ્થાનિક લોકોને નહેર કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Read Original Article →