અનંત પટેલ કેસ: 30 એપ્રિલે ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી:નવસારી કોર્ટે બચાવ પક્ષને રજૂઆત માટે વધુ સમય આપ્યો

Gujarat4/9/2026, 9:48:50 AM
અનંત પટેલ કેસ: 30 એપ્રિલે ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી:નવસારી કોર્ટે બચાવ પક્ષને રજૂઆત માટે વધુ સમય આપ્યો
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ડિસ્ચાર્જ અરજી પર 30 એપ્રિલે અંતિમ સુનાવણી થશે. કોર્ટે બચાવ પક્ષને વધુ રજૂઆત માટે સમય આપ્યો છે. વર્ષ 2022માં ખેરગામ પોલીસ સ્ટેશનમાં અનંત પટેલ અને કોંગ્રેસના હોદ્દેદાર ઝરણાબેન સહિતના અન્ય લોકો સામે ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાં દુકાનો સળગાવવી, તોફાનો કરવા, ફાયર બ્રિગેડની ગાડીમાં આગ લગાડવી અને પોલીસ ટીમ પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. આ પૈકી બે કેસની ઇન્સાફી કાર્યવાહી હાલ નવસારી કોર્ટમાં ચાલી રહી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ તરફથી અગાઉ ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી હતી, જેની સુનાવણી પણ થઈ હતી. જોકે, આજે આરોપીના વકીલે વધુ રજૂઆત માટે સમય માંગતા સરકારે તેનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે જણાવ્યું કે, "તમામ દસ્તાવેજો વંચાઈ ગયા હોવા છતાં સમય માંગવો એ માત્ર સમય બગાડવાની રણનીતિ છે." સરકાર પક્ષે આજે ફરિયાદ, પંચનામું અને અન્ય દસ્તાવેજી પુરાવા લેખિતમાં રજૂ કર્યા હતા. આ પુરાવાઓમાં અનંત પટેલ સહિતના આરોપીઓની સીધી સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, આરોપીઓના વકીલ પરેશ વટવીચાએ જણાવ્યું હતું કે, કોર્ટે ન્યાયના વિશાળ હિતમાં રજૂઆત માટે વધુ એક મુદત આપી છે. ડૉ. નીરવ પટેલની સપ્લિમેન્ટરી ચાર્જશીટ ખેરગામ કોર્ટથી સેશન્સ કોર્ટમાં આવતા તેની પણ મુદત આજે હતી. આ કેસમાં આગામી મહત્ત્વની તારીખો નીચે મુજબ છે: 24 એપ્રિલ: સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ડિસ્ચાર્જ અરજી આપવા માટેની મુદત. 30 એપ્રિલ: બંને કેસની ડિસ્ચાર્જ અરજી પર આખરી સુનાવણી. આજની કાર્યવાહી દરમિયાન બે આરોપીઓ ગેરહાજર જણાતા સરકારી વકીલે તેમની વિરુદ્ધ વોરંટ કાઢવાની તૈયારી દર્શાવી હતી. જોકે, અંતિમ તબક્કે ગેરહાજર આરોપીઓ કોર્ટમાં હાજર થઈ જતાં વોરંટની સ્થિતિ ટળી હતી. હવે સમગ્ર મામલે 30 એપ્રિલે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે.
Read Original Article →