નવસારી કોંગ્રેસે ‘જનતાનો મેનિફેસ્ટો’ કર્યો જાહેર:મહિલાઓને ફ્રી બસ, ટેક્સ રાહત; ડિમોલિશન પહેલા પુનર્વસનના વાયદા

Gujarat4/8/2026, 12:16:33 PM
નવસારી કોંગ્રેસે ‘જનતાનો મેનિફેસ્ટો’ કર્યો જાહેર:મહિલાઓને ફ્રી બસ, ટેક્સ રાહત; ડિમોલિશન પહેલા પુનર્વસનના વાયદા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નવસારીમાં ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કર્યો છે. આગામી સમયના આયોજન અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે આ વચનપત્ર રજૂ કરાયું છે. પક્ષનો દાવો છે કે ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ જેવા અભિયાનો દ્વારા નવસારીની જનતા પાસેથી સીધા સૂચનો મેળવીને તે તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતૃત્વએ જણાવ્યું કે રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત જનતાની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો બન્યો છે. નાગરિકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં ન સાંભળવામાં આવતી હોવાથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પર મળેલા પુરાવાઓ અને ફરિયાદોના આધારે વર્તમાન સરકારની નીતિઓ સામે આ કમિટમેન્ટ તૈયાર કરાયું છે. મેનિફેસ્ટોની મુખ્ય જાહેરાતોમાં સિટી બસમાં મહિલાઓ માટે સંપૂર્ણ મફત મુસાફરી અને મહિલાઓના નામે નોંધાયેલા વાહનોનો રોડ ટેક્સ માફ કરવાનો સમાવેશ થાય છે. આવાસ યોજના હેઠળ ‘પહેલા રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ના સિદ્ધાંત સાથે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર નહીં તોડવાનું વચન અપાયું છે. 50 મીટરથી નાના મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં 50 રાહત અને નવા વિસ્તારોમાં સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ મુક્તિની પણ જાહેરાત કરાઈ છે. શિક્ષણ સુધારણા માટે પાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમનું આધુનિક શિક્ષણ અને શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતીનું વચન છે. હેલ્થ સુવિધાઓમાં દરેક વોર્ડમાં 24/7 હેલ્થ સેન્ટર, મફત બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન સુવિધા તેમજ વડીલોને બીપી-ડાયાબિટીસની દવાઓ મફત આપવાની વાત છે. પાણી અને ગટર વ્યવસ્થા માટે શહેરમાં દિવસમાં બે વખત પૂરતા ફોર્સથી શુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનું આયોજન છે. સ્વચ્છતા માટે દિવસમાં બે વાર ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા અને રસ્તાઓની ગુણવત્તાનું ‘જનતા ઓડિટ’ કરાશે. યુવા રોજગાર માટે કોર્પોરેશનમાં ખાલી પદો પર સ્થાનિક ઉમેદવારોની કાયમી ભરતી અને સ્પોર્ટ્સ સંકુલનું આધુનિકીકરણ કરાશે. લારી-ગલ્લા ધારકોને સ્માર્ટ કાર્ડ આપી ‘વેન્ડર ઝોન’ દ્વારા વ્યાપારિક ઓળખ અપાશે. પૂર્ણા નદીનું ડીપનિંગ-વાઈડનિંગ કરી શહેરને પૂરથી બચાવવા પ્રોટેક્શન વોલ બનાવવાનું પણ આયોજન છે. કોંગ્રેસના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર વચનપત્ર નથી, પરંતુ જનતા સાથેનું કમિટમેન્ટ છે. તેમણે ઉમેર્યું કે આધુનિક ભારત અને નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. સત્તામાં આવતાની સાથે જ આ તમામ મુદ્દાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે.
Read Original Article →