નવસારીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ:અધિકારીઓને 'ઝીરો કેઝ્યુઅલ્ટી' અભિગમ સાથે કામ કરવા સૂચન

Gujarat5/21/2026, 12:50:56 PM
નવસારીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ:અધિકારીઓને 'ઝીરો કેઝ્યુઅલ્ટી' અભિગમ સાથે કામ કરવા સૂચન
ચોમાસાની સંભવિત આપત્તિઓનો સામનો કરવા નવસારી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે, કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત ફેબ્રુઆરી માસમાં અપાયેલી સૂચનાઓ પર થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાનીએ તમામ વિભાગીય અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે, ચોમાસા દરમિયાન જિલ્લામાં "ઝીરો કેઝ્યુઅલ્ટી" (કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય) ના અભિગમ સાથે કામ કરવું પડશે. તેમણે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટી તંત્ર કેવી રીતે ઝડપી અને અસરકારક કામગીરી કરશે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, કલેક્ટરે તાલુકાના નોડલ અધિકારીઓને તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે તાત્કાલિક ઓનલાઈન બેઠક યોજી ચોમાસાના પ્લાનિંગને આખરી ઓપ આપવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ચોમાસામાં પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડવી જોઈએ. બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તૈયારીઓની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા સાધનોની સ્થિતિ, સ્થાનિક તરવૈયા યુવાનોની યાદી, આશ્રયસ્થાનો અને ત્યાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરાઈ. પાણીના કુદરતી વહેણ, કાંસ-કોતરની સફાઈ, રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની કામગીરી અને તળાવો તેમજ પાણી ભરાતા વિસ્તારોમાં વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતીકરણ પર પણ ચર્ચા થઈ. કલેક્ટરે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવીને સતર્કતા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા જણાવ્યું હતું, જેથી જનમાલનું નુકસાન અટકાવી શકાય. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકા કમિશ્નર જયેશ ઉપાધ્યાય, અધિક કલેક્ટર વાય. બી. ઝાલા, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.
Read Original Article →