નવસારી સિવિલમાં ભાસ્કરનું રિયાલિટી ચેક:મંત્રીના ઠપકાના પડઘા: સિવિલ તંત્રએ તાત્કાલિક સફાઈ શરૂ કરી
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલમાં ગંદકી મુદ્દે અધિકારીઓને ઠપકો આપ્યા બાદ, તેની અસર હવે પાડોશી જિલ્લા નવસારીમાં પણ જોવા મળી રહી છે. દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અંગે કરાયેલા રિયાલિટી ચેક બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં રિયાલિટી ચેક માટે પહોંચી, ત્યારે હોસ્પિટલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાસ્કરના કેમેરા જોતાની સાથે જ હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ધોરણે સફાઈની ઝુંબેશ હાથ ધરી હતી. જોતજોતામાં 20થી વધુ સફાઈ કર્મીઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા હતા અને હોસ્પિટલના ખૂણેખૂણાની સફાઈ શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સુરત સિવિલમાં ગંદકી જોઈ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓ પર રોષ ઠાલવીને હોસ્પિટલને સ્વચ્છ બનાવવા કડક સૂચના આપી હતી. આ ઘટના બાદ નવસારી સિવિલ તંત્ર પણ સક્રિય બન્યું હોય તેમ જણાય છે. ભાસ્કરના રિયાલિટી ચેકને કારણે જે કામ ધીમી ગતિએ ચાલતું હતું, તે થોડી જ મિનિટોમાં ગતિશીલ બન્યું હતું. આ અંગે નવસારી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર તંત્રની નહીં પણ સામૂહિક જવાબદારી છે. તેમણે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા-સંબંધીઓને પણ પરિસરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અનેક કિસ્સાઓમાં લોકો ગુટખા ખાઈને દીવાલો કે ખૂણામાં થૂંકતા હોય છે, જેનાથી ગંદકી ફેલાય છે. લોકો જાગૃત થશે તો જ હોસ્પિટલ કાયમી ધોરણે સ્વચ્છ રહી શકશે.
Read Original Article →