નવસારી સિવિલમાં કલેક્ટરની ઓચિંતી મુલાકાત:લાંબા સમયથી ચાલતા કન્સ્ટ્રક્શન અંગે એજન્સીને 17 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ
નવસારી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહેલા બાંધકામના કામને કારણે દર્દીઓ અને ડોકટરોને પડતી હાલાકી અંગે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીએ આજે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર કેમ્પસનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીને કામ ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલના OPD, ઇમરજન્સી વોર્ડ અને અન્ય વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત 'પંડિત દીનદયાળ ઔષધિ સેન્ટર' અને 'સખી વન સ્ટોપ સેન્ટર'ની પણ મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. હાલ જૂના સિવિલ કેમ્પસને અડીને જ અદ્યતન નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે, કામ કરતી એજન્સી અને સરકારી તંત્ર વચ્ચે સંકલનના અભાવે કામ પૂર્ણ થયા બાદ ફરી તોડફોડ કરીને વોર્ડમાં નવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બેદરકારીને કારણે પ્રોજેક્ટની ડેડલાઇન લંબાતી ગઈ છે. કલેક્ટર મનીષ ગુરુવાણીએ આ મામલે કડક વલણ અપનાવી કોન્ટ્રાક્ટર એજન્સીને તાકીદ કરી હતી કે, આગામી 17 સપ્ટેમ્બર સુધીમાં નવી સિવિલ કેમ્પસનું તમામ કામ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ જવું જોઈએ. કલેક્ટરે બાંધકામ ઉપરાંત દર્દીઓની સુવિધા પર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં ફરીને એક્સ-રે સહિતના મેડિકલ મશીનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જાતે તપાસ્યા હતા. આ સાથે જ હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ વ્યવસ્થા પર વિશેષ ભાર મૂક્યો હતો અને સંબંધિત તંત્રને નિયમિત સફાઈ કરવા કડક સૂચના આપી હતી.
Read Original Article →