નવસારી બ્રિજ પર ડમ્પરનો અકસ્માત, કાર પર ગર્ડર પડ્યું:ભારે વાહનો પર પ્રતિબંધ છતાં બેદરકારી, સદનસીબે જાનહાનિ ટળી
નવસારીના પૂર્ણા નદીના ઓવરબ્રિજ પર આજે એક ડમ્પર ચાલકની બેદરકારીને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બ્રિજ પર લગાવેલા સુરક્ષા ગડરને ટક્કર મારતા તે તૂટી પડ્યું હતું. આ ગડર બાજુમાંથી પસાર થઈ રહેલી એક કાર પર ખાબક્યું હતું, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ ભારેખમ ગડર તૂટી પડ્યું હતું. આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અફરાતફરી મચી ગઈ હતી અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેથી ટ્રાફિક ધીમે ધીમે હળવો થઈ શકે. ચોંકાવનારી વાત એ છે કે પૂર્ણા નદીના આ ઓવરબ્રિજ પર છેલ્લા ત્રણ મહિનામાં ગડર તૂટવાની આ ચોથી ઘટના છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વહીવટી તંત્રની લાપરવાહી અને બ્રિજની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, નિયમોનો ભંગ કરીને ભારે વાહનો બેફામ રીતે પસાર થતા રહે છે. સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અકસ્માત બાદ માત્ર નવું ગડર લગાવી દેવાય છે, પરંતુ પ્રતિબંધિત વાહનોને રોકવા માટે કોઈ કડક પગલાં લેવાતા નથી. સ્થાનિકો હવે આ મામલે કાયમી અને કડક ઉકેલની માંગ કરી રહ્યા છે.
Read Original Article →